સરદાર વલ્લભભાઈ પટેલ

દેશી રજવાડાં સરદારની ખરી કસોટી તો દીલ્હીની રાજસભા સંભાળવા પછીથી થયેલી. નહેરુ વડાપ્રધાન પણ બંધારણીય અને વહીવટી તંત્ર અંગે સરદાર નીર્ણય કરતા. સરદાર નહેરુથી જુદો અભીપ્રાય આપતાં અચકાતા નહીં, અને કેટલીયે વાર ગાંધીજીને વચ્ચે પડવું પડતું.

બ્રીટીશ સરકાર પાકીસ્તાનના ભાગલા પાડી ખસી ગઈ ત્યારે દેશી રાજ્યો માટે ખાસ કાંઈ નીર્ણય લીધેલો નહીં અને એમને યોગ્ય લાગે તેની સાથે જોડાવા માટે એ સ્વતંત્ર છે એમ કહી ગયેલા. આ બધા રાજાઓને સમજાવીને યુદ્ધ કર્યા વીના હીન્દુસ્તાન સાથે જોડાવાનું કાર્ય સરદારે કરેલું. બધાને આમંત્રણો મોકલી બોલાવ્યા. કેટલાક આવ્યા, કેટલાક નહીં. કેટલાકને ફરીથી આમંત્રણ આપ્યાં. વાતચીતમાં સરદારે એ બધાને મહત્ત્વના મુદ્દાઓ કહ્યા. કારણ કે અમુક રાજાઓ જક્કી હતા. એમને નીવૃત્ત કરીને યોગ્ય પેન્સન બાંધી આપીએ. પાર્લામેન્ટના સભ્ય બની મીનીસ્ટર સુધીની સગવડ આપીએ. તથા ઉચ્ચક મોટી રકમ જોઈતી હોય તો તે આપીએ. અમુક રજવાડાંઓ માની ગયેલાં અને અમુકે ન માનેલું. તેવાઓને આખરી સંદેશો આપેલો કે આવી મોટી બ્રીટીશ સરકાર પાસે સત્તા છોડાવી તો પછી તમારું શું ગજું? લગભગ બધા જ જોડાયેલા, પરંતુ બેત્રણ મુસ્લીમ રાજ્યો ન જોડાયેલાં. કાઠીયાવાડનું એક જેને પ્રજાના સત્યાગ્રહથી જીતેલું (શામળદાસ ગાંધીની આગેવાનીથી). હૈદ્રાબાદના નીઝામે માનેલું નહીં. એમની સાથે સમાધાનની વાટાઘાટ માટે સરદારે મુંબઈથી મુન્શીને મોકલેલા. સમાધાન ન કરતાં નીઝામે મુન્શીને કેદ કરેલા. સરદારને લાગ્યું કે વાટાઘાટથી સમાધાન થવાનું નથી ત્યારે એમણે લશ્કરથી કબજો લેવાનો નીર્ણય કર્યો. એ નીર્ણયના અમલ માટે કેબીનેટની પરવાનગી માગી. ગંભીર ચર્ચાઓ બાદ બધા સંમત થયેલા. શરુઆતમાં નહેરુ પણ શંકાશીલ હતા. અંતે હીન્દી લશ્કર લઈને સરદાર પોતે સરદારી લઈને હૈદરાબાદ પર ગયા અને એક જ દીવસમાં ખાસ ખુવારી વીના કબજો લીધો. મુન્શીને મુક્ત કર્યા. દેશના વાતાવરણમાં તરત જ શાંતી સ્થપાઈ. (વધુ આવતા અંકમાં)

Advertisements

સરદાર વલ્લભભાઈ પટેલ

ગતાંકથી ચાલુ સરદારની આગેવાની હેઠળ ખેડા જીલ્લામાં પણ મહેસુલ સામે સત્યાગ્રહ કરવામાં આવેલો. તેનું સંચાલન પણ સરદારે સફળતાપુર્વક કરેલું. અમદાવાદ શહેસુધરાઈના એ પ્રમુખ ચુંટાયેલા અને શહેરના મીલમાલીકો અને મુડીવાદીઓનું મજુર સામેના ઘર્ષણો અને હડતાલોમાં વચ્ચે પડી સંતોષકારક સમાધાનો કરાવેલાં. ગુજરાતના બીજા અન્ય સમાજવાદી આગેવાનો ઈન્દુલાલ યાજ્ઞીક, છોટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ વીગેરે સાથે સંબંધ રાખેલો. પરંતુ કોંગ્રેસના વહીવટમાંથી અલગ રાખેલા. ભારત વીદ્યાલય કરાડી, મટવાડ વીદ્યાર્થી મંડળ, અમલસાડ વીસ્તારના અનેક રાષ્ટ્રીય દેશસેવકો જોડે એમનો ઉંડો સંબંધ. મરોલી આશ્રમ અને વેડછી આશ્રમ સાથે પુરો પાકો સંબંધ. રાષ્ટ્રીય લડત વખતે આ બધા જ સંબંધો એમણે ઉપયોગમાં લીધેલા. ગણેશ વાસુદેવ માવલંકરને એમણે મુંબઈના સ્પીકર અને બાદમાં દીલ્હીના સ્પીકર બનાવેલા. ગુજરાતના અનેક કાર્યકરોને એમણે ઠેકાણે પાડેલા. ધીમે ધીમે આખા દેશમાં અને કોંગ્રેસના બંધારણીય તંત્રની મુખ્ય જવાબદારી એમના હાથમાં આવેલી. કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના એ પ્રમુખ બનેલા. સ્થાનીક અને સમગ્ર દેશની તમામ ચુંટણી વખતે એમની બોલબાલા. જેમાં એક વાર મુંબઈના અને કોંગ્રેસના જાણીતા પારસી આગેવાન નરીમાન સાથે દીલ્હીની ચુંટણી પ્રસંગે મતભેદ પડેલા અને તે ઝગડો કોંગ્રેસની ખાસ સમીતી સુધી ગયેલો. સમીતીએ નરીમાનને સંપુર્ણપણે સાંભળેલા અને સરદારને સાંભાળેલા. આખરી નીર્ણય સરદારની તરફેણમાં આવેલો.

એક પ્રસંગે પ્રાંતીય રાજસત્તાના કોંગ્રેસી પ્રધાન ખરેએ અયોગ્ય પગલું ભરેલું. જેથી એને સ્થાન પરથી પદભ્રષ્ટ કરેલો. ઘણો ખળભળાટ થયેલો. પરંતુ સરદારે સંતોષકારક ખુલાસો આપેલો. પ્રાંતીય ધારાસભાની ચુંટણી પ્રસંગે અને પછીથી અનેક પ્રસંગો બનેલા તેમાં આપણે ત્યાં આપણને સ્થાનીક વહીવટદારોએ ચુંટણીમાં લડાવેલા. કોંગ્રેસના નીયમાનુસાર એક બેઠક માટે એક જ માણસે ઉમેદવારી કરવાની અને તે જેને કોંગ્રેસ કહે તેણે જ. જ્યારે આપણી બેઠક માટે ત્રણ ભાઈઓ પાસે ઉમેદવારી પત્રો ભરાવેલાં. ૧. લલ્લુભાઈ મકન, ૨. પી.સી. પટેલ, ૩. ગણેશભાઈ સુખા. આ નીતી સામે પરસોત્તમભાઈ તલાટી, મોરારીભાઈ સોમા અને મેં સખત વાંધાઓ લીધેલા. પરંતુ તેમાં સફળ થયેલા નહીં. અંતે ત્રણે ભાઈઓનાં ઉમેદવારી પત્રો ગયેલાં. લલ્લુભાઈનું મંજુર થયેલું. મુંબઈ-ગુજરાત ધારાસભામાં લલ્લુભાઈ સહુથી યુવાન અને સહુથી વધારેમાં વધારે મતોથી જીતેલા, કારણ કે ચુંટણી પ્રસંગે આપણે સહુએ સંપુર્ણ સહકારથી કામ કરેલું. (મારે માટે એરુ-એથાણ વીસ્તાર આવેલો.)– (વધુ આવતા અકમાં)

સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલ

દેશમાં સહુથી વધારેમાં વધારે મહત્ત્વનું કાર્ય કોઈએ કર્યું હોય તો તે સરદાર વલ્લભભાઈએ. જેનાં થોડાં સ્મરણો યાદ કરીએ.

દાંડી નીમક સત્યાગ્રહ પહેલાં ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયેલો. મહેસુલ નહીં ભરવાના મુદ્દાઓ પર બ્રીટીશ સરકારે ગંભીર ત્રાસ વર્તાવેલો. ખેડુતોના ઘરોની જડતી લઈ માલમીલકત બધું કાઢી લઈ ગયેલા. ઢોર બળદો પણ કાઢી લઈ ગયેલા. જડતી લીધેલા માલનું લીલામ કરેલું. ઘરમાં બંધાઈ રહેલાં ઢોરો ધોળાં થઈ ગયેલાં. લોકોને ઘરબારમાંથી કાઢી મુકેલા. લોકો આમ તેમ સગેવહાલે જઈને રહેલાં. સરકારે જમીન હરાજી કરેલી તે કેટલાક પારસીઓએ સસ્તી મળતી હોવાથી લીધેલી. પરંતુ સરદારે અને પ્રજાએ નમતું તોલેલું નહીં. પરંતુ જીતેલા એમ કહીએ તો ખોટું નથી. ખેડુતોએ સરદારને કહ્યું કે કોઈક જગ્યાએ જમીન મળતી હોય તો અમે ખેતી કરીએ. આ વીષય પર સરદારે ઉંડો વીચાર કર્યો, અને માંડવીથી આગળ રાજપીપળા સ્ટેટ (દેશી રાજ્ય)ના રાજાને મળીને એમનાં જંગલો યોગ્ય કીંમતે આ ખેડુતોને વેચવાનું કહ્યું. તે પ્રમાણે જંગલો ખરીદી, ઝાડો કાપી, મુળીયાં કાઢી, જમીન સાફ કરી ખેતી કરવાનું કામ શરુ કર્યું. આ હકીકત રમુજી છે. ક્રાંતીકાળમાં નીરાશ્રીત તરીકે મેં રાજમાં પાંચેમ ગામે ધામણના ધીરજભાઈ ગોરધનને ત્યાં કાઢેલાં. ત્યારે એ ખેતી અંગેની વીસ્તૃત વીગત મેળવેલી. જંગલો ખરીદે, ઝાડો કપાવે, તેનાં ઈમારતી લાકડાં વેચે. ડાળ-પાંખડાં બાળવા માટે વેચે. થડ-મુળીયાં કોલસા માટે વેચે. આ બધી વીધી કરતાં વ્યવસ્થીત મહેનત કરવી પડે. પછીથી જમીન ચોખ્ખી થાય. ત્યારે પાણીના નીકાલ માટે મોટી નીકો કરવી પડે. એનું નાની નદીઓના વહેણ સાથે સંગમ કરાવવું પડે. ધીરજભાઈ પાસે પાંચેમમાં ૧૨૦૦ વીઘાં આવી જમીન. ત્રણ દીકરા પૈકી એક કાયમ ત્યાં રહે. બાકીના બે ધામણથી આવજા કરે. ધામણમાં ત્રીસ વીઘાં જમીન. ખાનદાની જબરી. હું ત્યાં હતો તે દરમીયાન ધીરજકાકાને મેં રામકબીર ગ્રંથ વાંચી સંભળાવેલો. ખેતી કરવાની પદ્ધતીનો મેં અભ્યાસ કરેલો. ખેડેલી જમીનમાં બે ચાસ કપાસ લીધા પછીથી બે ચાસ ખેતરનું હલકું ભાત ઓરવું એ રીતે ભાતમાં ક્યાંક થોડી તુવેરની છાંટ નાખવી. આ ભાત આસો માસમાં કાપી લેવાયા બાદ કપાસને વીકસવા માટે પુરતી જગ્યા મળી રહે. અમુક ખેતરોમાં જુવાર પણ ઓરે. આ ખેડુતોએ ભાત અને કપાસનો પાક એટલો બધો લીધો કે ઝગડીયા અને નેત્રંગમાં કપાસ અને ભાતનાં કારખાનાં ઉભાં કર્યાં. આથી એક આખો ઉદ્યોગ શરુ થયો. ગોરધનભાઈ ભક્તના કાકાએ રાજપરા ગામે ખેતી ઉપરાંત ઈમારતી લાકડાં વેચવાની એક વખાર ઉભી કરી હતી. ત્યાં અમારા ભત્રીજા રણછોડભાઈ ગોવીંદ રહી આવેલા. બારડોલી વીસ્તારના ખેડુતોની જમીન ગયેલી તેવા અનેક ખેડુતો રાજપીપળા સ્ટેટમાં સ્થીર થયેલા. જ્યારે પ્રાંતીય સરકાર રચાયેલી ત્યારે આ ખાલસા થયેલી જમીન સાચા ખેડુત માલીકોને સરદારે પાછી અપાવેલી. (વધુ આવતા અંકમાં)

ડાહીબેન

ડાહીબેનઃ મારાં પત્ની

મારાં લગ્ન એક મીત્રપત્નીના સહકારથી તા. ૧૮-૫-૧૯૪૨ના રોજ થયેલાં. ખેતી અને પશુપાલન એ મારું મુખ્ય કાર્ય. ૧૯૪૨ના ઑગષ્ટમાં લડત આવી. એમાં મેં ઝંપલાવ્યું. હું અને મારાં પત્ની ભુગર્ભવાસમાં ગયાં. તવડી, કાદીપોર, ધામણ, રાજપીપળા અને અંતે દેલવાડામાં એક ઝુંપડીમાં સાથે ત્રણ માસ રહ્યાં. હરીભાઈ અને ડાહ્યાભાઈએ જબરો સાથ આપ્યો. નીકટના મીત્ર બન્યા. ભાગ્યા બાદ ફરીથી દેલવાડાના સીમાડામાં બે માસ કાઢ્યા. અંતે ૧૯-૨-૪૩ના રોજ વહેલા પરોઢે સીમાડામાંથી ગીરફતાર થયેલા. દરમીયાન મારી પત્નીએ મારો સાથ છોડેલો નહીં. જ્યારે જ્યારે જેલોમાં મળવા આવતાં ત્યારે હંમેશાં ખાવાનું લાવતાં. અને મારા માટે ધોયેલાં કપડાં લાવતાં. મારી પત્નીએ લડત દરમીયાન મને ખુબ જ સહકાર આપેલો. મારી ૧૯ માસની જેલ દરમીયાન વીયોગ સહન કરેલો. મારા અનેક પ્રસંગોની એ ભાગીદાર છે. પુર્ણા નદી એણે મારા કરતાં વધુ વાર ઓળંગી છે. અમને ૨૦ વર્ષની સજા થશે તો એની શું દશા થશે? તે વીચારે જેલમાં અનેક રાત્રે હું ઉંઘતો નહીં. ઠીક થયું કે ભગવાને તેમ ન કર્યું.

આ પુસ્તક મણીભાઈ, માતાજી અને પત્નીને સમર્પણ.

લાલીબેન

લાલીબેનઃ મારી મા

મારી માતાજીનું નામ લાલીબેન. એમની કુખે હું ૧૯૧૯માં કરાડીમાં જન્મેલો. મારી માની ઉંમર આસરે ૨૬ વર્ષની. ભણેલાં ખાસ નહીં. પરંતુ પાછળથી પ્રૌઢ શીક્ષણના વર્ગમાં થોડું શીખેલાં. મને બાળપણમાં વીનય અને વીવક શીખવનાર એ હતાં. મહોલ્લામાં રહેતાં દરેક ભાઈબહેનોને મામા-મામી, માસી, ભાઈ-બહેન વીગેરેથી સંબોધન કરતાં. અરે હરીજનવાસમાં પણ માસી મામા કહેતાં. મારે લડતમાં પડવું હતું અને લગ્ન નહોતાં કરવાં, પરંતુ માતાજીના ખુબ દબાણથી મેં લગ્ન કરેલાં.

ક્રાંતી દરમીયાન મારી માતાજીએ અનેક રીતે મારી દેખરેખ રાખેલી. ૨૨મી ઑગષ્ટની રાત્રે મારી માને બરડા પર અને પગની જાંઘ પર ગંભીર માર પડેલો. તે શરીર અને પગ બ્લુ થઈ ગયેલા. પાંચ પેઢીની સગાઈ શોધી માસીના ઘરે તવડી અમને મોકલેલા. રાજના જંગલમાંથી (રાજપપળા) આવ્યા બાદ ફરીથી લાંબી સગાઈ શોધી ફોઈબાના ઘરે દેલવાડા ગોઠવેલા. કરાડીમટવાડથી દુધ, ઘી, અનાજ વીગેરે મોકલતાં. સોડીયાવડથી ભાગી ગયેલો ત્યારે મને નદી તરીને દેલવાડા મુકવા માટે આવેલાં. પછીથી જેટલી જેલોમાં ગયો તેટલી જેલમાં એ નીયમીત જેલની મુલાકાતે આવતાં. નવસારી, જલાલપોર અને સુરત ખાસ આવેલાં. (સાબરમતી નહીં.) દરેક કટોકટીના પ્રસંગે હીંમત રાખતાં. મુલાકાત વખતે દરેક જાતનું ખાવાનું લાવતાં.

રાષ્ટ્રીય શાળાઓ

રાષ્ટ્રીય શાળાઓઃ ૧૯૨૧માં રાષ્ટ્રીય પ્રવૃત્તીથી દેશ ધમધમી રહ્યો હતો. ગાંધીજીએ અસહકારનો કાર્યક્રમ દેશને આપ્યો હતો. શાળા, મહાશાળા, કોર્ટકચેરીના બહીષ્કારનો આદેશ અપાયો હતો. રાષ્ટ્રીય કેળવણી દ્વારા સ્વદેશ ભાવના ખીલે અને પ્રજા રાષ્ટ્રીય ભાવનાથી રંગાય એ વીચારને કેન્દ્રમાં રાખી કરાડી, મટવાડ, બોદાલી અને બોરીફળીયામાં રાષ્ટ્રીય શાળા શરુ થઈ હતી. આ શાળાઓ રાષ્ટ્રીય શીક્ષણ આપતી હતી, અને આઝાદીની ભાવના પ્રબળ બને એવી ભાવના પ્રેરતી હતી. સ્વતંત્ર સંસ્થાઓ હતી તેથી આર્થીક સમસ્યા પણ નડતી હતી. બ્રીટીશ સરકારની પજવણી પણ હતી. તેથી કરાડી સીવાયની ઉપરની સંસ્થાઓ બંધ પડી. કરાડીની રાષ્ટ્રીય શાળા ભારત વીદ્યાલયનામ ધારણ કરી ૧૯૫૯ સુધી ચાલુ રહી. અંતે આઝાદ ભારતના કેળવણી ખાતાના લોકલ બોર્ડને સોંપી દીધી.

૨૨મી ઑગષ્ટ ૧૯૪૨ના રોજ જે સંઘર્ષ પ્રજા અને પોલીસ વચ્ચે ઉભો થયો તેના મુળમાં ૧૯મીએ ભારત વીદ્યાલયમાંથી નીકળેલી પ્રભાતફેરી કારણભુત હતી. આમ તો તે પ્રભાતફેરી રોજબરોજ નીકળતી અને ગામે ગામ જઈ પ્રજાને આઝાદીનો સંદેશો આપતી. કીશોરો પત્રીકાઓ ઠેર ઠેર ચોંટાડતા અને પ્રજામાં વહેંચતા. ૧૯મીએ નીકળેલી પ્રભાતફેરીમાં ૧૯ વીદ્યાર્થીઓ હતા. આ પ્રભાતફેરીની આગેવાની શાળાના શીક્ષકો નાનુભાઈ છીબાભાઈ, રામજીભાઈ ફકીરભાઈ, જયરામભાઈ છીબાભાઈ (જે.સી.) અને મગનભાઈ છીબાભાઈએ લીધી હતી. પ્રભાતફેરી કરાડીમાં ફરી રહ્યા બાદ વાણીયાવાડ થઈ, સડક પર થઈ મટવાડમાં ફરવાની હતી. મટવાડના પ્રવેશદ્વાર આગળ જ પોલીસગેટ ઉતારો છે. વીદ્યાર્થીઓમાં થનગનાટ હતો અને ખુબ ઉત્સાહથી સુત્રોચ્ચાર કરતા હતા. શ્રી રામભાઈ છીબાભાઈ અને જયરામભાઈ છીબાભાઈના હાથમાં બ્યુગલો હતાં. એઓ બ્યુગલો વગાડતા હતા અને ઉત્સાહ પ્રેરતા હતા. રામભાઈ અમે ડરતા નથી હવે કોઈથી રેએ ગીત ગવડાવતા હતા, અને બધા ઝીલતા હતા.

આ વખતે પોલીસો માર્ચપોસ્ટ કરતા હતા. તેઓ ધસી આવ્યા અને લાઠીચાર્જ કર્યો. શીક્ષકો પર સખત લાઠીચાર્જ થયો. તેઓ લાઠીના ઘા હાથ પર ઝીલી લેતા હતા. રમણભાઈ અગ્રેસર હતા. તેમના પર થતા લાઠીચાર્જ સામે શીક્ષકોએ રક્ષણ કર્યું. આ સમાચાર વાયુવેગે કાંઠાવીભાગમાં પ્રસરી ગયા. મુંબઈનાં બે રાષ્ટ્રવાદી અખબારો વંદે માતરમ્અને જન્મભુમીમાં આ સમાચારો હેડલાઈનમાં ચમક્યા. આમ કરાડી-મટવાડ સંયુક્ત નામે ગુજરાતમાં જાણીતું બન્યું.

માહીતી સ્રોતઃ આચાર્ય મણીભાઈ પટેલ સ્મૃતી ગ્રંથ

લે. ભાનુભાઈ કાનજીભાઈ પટેલ ઃ કેનેડા

સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ(ગતાંકથી ચાલુ)

ધ્વજસ્તંભનો બચાવ

મણીભાઈની સલાહથી ગોવીંદભાઈ સુરત સત્યાગ્રહ કરી ધરપકડ વહોરવાના હતા. પટેલ ફળીયાના જે.સી. પટેલ એમને સુરત લઈ ગયા હતા. સુરતમાં આગલી રાત્રે બોંબ ધડાકા થયા હતા. તેથી એ દીવસે સત્યાગ્રહ મુલતવી રાખવાની સલાહ મળતાં સત્યાગ્રહ થઈ શક્યો નહીં. કાંઠા વીભાગપત્રીકા એઓ રસપુર્વક વાંચતા, પ્રચાર કરતા. આવા તો મણીભાઈના અનેક વીદ્યાર્થીઓ હતા, જેઓ પ્રભાતફેરીમાં જોડાતા, સ્વાતંત્ર્યના શ્લોકગાન પુકારતા, પત્રીકાઓ પહોંચાડતા-ચોંટાડતા અને ભારતમાતાનો જયજયકાર કરતા. સ્વાતંત્ર્યતાનો સેતુ નામી અનામી અનેક રાષ્ટ્રભક્તોથી નીર્માણ પામ્યો છે. ૧૯૩૨માં ઑર્ડીનન્સ રાજ હતું. સરકારે મેજીસ્ટ્રેટોને વીશાળ સત્તાઓ આપેલી. આંદોલન કરનારને પકડી લેતી. મહાસત્તાના કાર્યકરને આશરો આપે તો તેને પણ પકડી લેતી. પીટીશન પેપરને માટે કોઈ તક ન હતી.

૨૩મી જાન્યુઆરીએ કાંઠા વીભાગના આટ ગામે અને કરાડી મુકામે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવેલો હતો. પોલીસ આ કાર્યક્રમ કોઈ પણ ભોગે કરવા દેવા માગતી ન હતી. વીદ્યાર્થીઓ ઝંડા ઉંચા રહેના નારા લગાડતા. પાંચાકાકા વાડી જે તે વખતે આઝાદ મેદાન તરીકે જાણીતી હતી. ત્યાં ધ્વજ રોહણ વીધી થવાની હતી. ત્યાં ધ્વજસ્તંભ રોપવામાં આવ્યો હતો.

પોલીસને આ સમાચાર મળતાં તેઓ ધ્વજસ્તંભે પહોંચી ગયા, અને ધ્વજનો થાંભલો ખોદવા લાગી ગયા. ધ્વજવંદન ન થવા દેવાનો પોલીસનો નીર્ધાર હતો, તેથી ત્યાંથી થાંભલો ખટારામાં નાખી ઉપાડી જવો હતો. આ વખતે મણીભાઈ પટેલ, ગણેશજી સુખાભાઈ અને ઉંકાભાઈ કાલીદાસ આ ત્રણ નાથુભાઈ ઉંકાભાઈ ગાંધીને ત્યાં બેઠા હતા.

જેવા આ સમાચાર મળ્યા કે આ ત્રીપુટીએ ધ્વજવંદન સ્થળ તરફ દોટ મુકી. મણીભાઈએ ધ્વજને મજબુત હાથે પકડી લીધો. ધ્વજ છોડાવવા પોલીસે મણીભાઈના હાથમાં સખત દંડાનો પ્રહાર કર્યો. મણીભાઈ લોહીલુહાણ થયા. આ જોઈ ધ્વજના રક્ષણાર્થે ઉંકાભાઈ કાલીદાસએ ઝનુનપુર્વક દોડી જઈ ધ્વજને પકડી લીધો. પોલીસે ઉંકાભાઈને માથામાં સખત પ્રહાર કર્યો, ને તેઓ જમીન પર પડી ગયા. અસંખ્ય પોલીસોની વચ્ચે જઈને ગણેશભાઈએ પણ ધ્વજને બચાવવાનો પ્રયાસ કર્યો.

લોકોના હૃદયમાં પણ આ ભાવ છલકાતો હતોઃ

ઝંડા અજર અમર રહેજે, વધ વધ આકાશે જાજે

પરાક્રમને પંથે પડેલી પ્રજામાં તો એક જ ક્રાંતીનાદ ગુંજતો હતોઃ

નહીં નમશે નહીં નમશે નીશાન ભુમી ભારતનું (વધુ આવતા અંકમાં)