પારસમણી સમા મણીભાઈ

પારસમણી સમા મણીભાઈ

મણીનો અર્થ થાય છે રત્ન. આખું નામ મણીભાઈ શનાભાઈ પટેલ. મુળ અલીન્દ્રા, ખેડા જીલ્લાના. એઓ કરાડી રાષ્ટ્રીય શાળાના આચાર્ય તરીકે પધાર્યા તેમાં કુદરતનો સંકેત હશે. તેઓ સાચા અર્થમાં માનવરત્ન હતા. પારસમણી હતા. સ્પર્શથી લોઢાને સોનું બનાવનાર મણી. પ્રખર રાષ્ટ્રવાદી હતા. કાંઠાના રાષ્ટ્રીય શીક્ષણસેવા એ તેમના જીવનનો આદર્શ હતો.

એમના સમય દરમીયાન તેઓ વીદ્યાર્થીઓના જીવનઘડતર તરફ પુરતું લક્ષ આપતા. છીબુભાઈ લાલાભાઈના જીવનની સફળતામાં મણીભાઈનો અમુલ્ય ફાળો હતો. છીબુભાઈને તેમણે અસાધ્ય રોગમાંથી મુક્ત કરાવ્યા હતા. નવજીવન આપ્યું હતું. એમના સાન્નીધ્યમાં રહેલ સંગીત શોખીનોને સંગીત શાળામાં અને કલાના ઉપાસકોને કલાશાળામાં, અમદાવાદ દાખલ કરાવ્યા હતા. વીદ્યાર્થીઓની શક્તી, મતી, રુચીને ધ્યાનમાં રાખીને તે તે વીદ્યાશાખાઓમાં દાખલ કરાવ્યા હતા. એ રીતે તેમનું જીવન ઉજમાળું બનાવ્યું હતું. તેઓ માત્ર વીદ્યાર્થીઓના શીક્ષક જ નહોતા, ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ હતા. આત્મીય સ્વજન હતા. એમને હૈયે વીદ્યાર્થીઓનું કલ્યાણ હંમેશાં રહેતું. વ્યાયામના ક્ષેત્રમાં એમણે નાનુભાઈ છીબાભાઈ અને ઉંકાભાઈ પાંચાભાઈને તાલીમ આપી વ્યાયામ વીશારદની પદવી અપાવી હતી.

શ્રી બચુભાઈ મકનજી પટેલે લખ્યું છેઃ

મણીભાઈનું સાન્નીધ્ય વાત્સલ્ય સભર હતું. દરેક વીદ્યાર્થી માટે જાતે ધ્યાન રાખતા. દરેક વીદ્યાર્થીને સુસંસ્કારો મળે તે માટે જાગૃત રહેતા. વીદ્યાર્થીઓમાં શીસ્તપાલન, નીયમીતતા, કસરત કરવી, કાંતવું, ખાદીફેરી, પ્રભાતફેરી, ગ્રામસફાઈ વગેરે કાર્યક્રમો આપી તેમનામાં રાષ્ટ્રભક્તી જગાડતા. પોલીસની દરકાર કરતા નહીં. ૪૨ની ક્વીટ ઈન્ડીયાલડત વખતે કાંઠાવીભાગમાં આગેવાન હતા. જેલવાસી બન્યા હતા. જો એઓ રાજકારણમાં પડ્યા હોત તો મીનીસ્ટર થયા હોત. પણ એમણે તો શ્રી અરવીંદે બતાવેલ આધ્યાત્મીક માર્ગ પસંદ કર્યો હતો. મણીભાઈના સંપર્કમાં જેઓ આવતા તેઓ પ્રેમ અને વાત્સલ્યનો અનુભવ કરતા. (વધુ આવતા અંકે)

Leave a comment