એક વીરાંગના

એક વીરાંગના

સર્જનહારે એના રુપને ઘડવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. મોકળે મને લહાણી કરી હતી. યુવાનીના પ્રાંગણમાં ઉભેલી એ નવયૌવના બહાદુર પીતાની પુત્રી હતી. પીતા પ્રખર રાષ્ટ્રવાદી હતા. દેશની આઝાદી માટે પ્રાણને હથેળીમાં રાખી ઝઝુમનારા. દેશની આઝાદી એમને પ્રાણથી પણ પ્યારી હતી. એવા પીતાની પુત્રીમાં પીતાની સ્વદેશભક્તી ભારોભાર ભરેલી હતી. પુત્રીનું નામ ડાહી. પીતાનું નામ મંગાભાઈ સુખાભાઈ. આફ્રીકાના સફરી. પણ પરદેશનો હક્ક જતો કરીને સ્વરાજ્યની લડતમાં કુદી પડ્યા હતા. એમણે પોતાની દીકરીનું સગપણ ન્યુઝીલેન્ડ નીવાસી સ્વાતંત્ર્ય ભાવનાથી છલોછલ રંગાયેલા મટવાડના દયાળભાઈ કેસરી જોડે કર્યું.

કુમકુમ પગલાં પાડતાં ડાહીબેન સાસરે આવ્યાં. ઈર્ષા આવે એવું સુંદર દંપતી. પણ માણસ ધારે શું અને ઈશ્વર કરે શું? હાથની મહેંદીનો રંગ હજુ ઝાંખો નથી થયો ત્યાં મટવાડમાં પોલીસ અને સરઘસ વચ્ચે જંગ ખેલાયો. પતીદેવ એ જંગમાં સંડોવાયા. મારામારીમાં ત્રણ નાગરીકો અને એક પોલીસનું મૃત્યુ થયું. આખા ટોળાને એ ખુનકેસમાં સંડોવ્યું. પોલીસોનો ત્રાસ અસહ્ય હતો. સ્વરાજ્યની જ્યોતને જ્વલંત રાખવી તે રાષ્ટ્રવાદીઓનો ધર્મ હતો. પોલીસના ત્રાસમાંથી બચવાનો એક જ વીકલ્પ હતોઃ ઉત્તરનાં ગાયકવાડી ગામડાંઓમાં આશરો લેવો.

નવદંપતીએ દેલવાડા ગામમાં આશરો લીધો. પતીપરાયણ ડાહીબેન પણ પતીને પગલે પગલે દેલવાડા આવ્યાં. પતી પર તો વૉરંટ હતું. ક્યારે શું થાય કંઈ ભરોસો નહીં. છતાં ડાહીબેન હીંમતથી પતીની સાથે રહ્યાં. રાષ્ટ્રવાદીઓ દેલવાડા ગામમાં રહે છે તેની ખબર પોલીસોને હતી જ. એટલે પોલીસો અનેક વાર દેલવાડા ગામમાં ઘેરો ઘાલતા. તપાસ કરતા. રાષ્ટ્રવાદીઓનું રક્ષણ અને જતન કરવું તેને દેલવાડાવાસીઓ પોતાનો ધર્મ માનતા હતા.

એક વાર પોલીસોએ દેલવાડા ગામને રાત્રે ઘેરી લીધું. શેરીએ શેરીએ પોલીસ ગોઠવાઈ ગઈ. રાષ્ટ્રવાદીઓની તપાસ થઈ. પણ તેઓ તો ગામમાં રહેતા નહોતા. સીમમાં રહેતા. કોઈ પકડાયું નહીં. ડાહીબેનને પકડાઈ જવાનો ભય. એટલે તેઓ બંદુકમાંથી ગોળી છુટે તેમ ભાગ્યાં. ભાગીને દયાળભાઈ લાલાની વીધવા પાનીબેનના ઘરમાં આવ્યાં. પાનીબેને સમયસુચકતા વાપરી એમને રસોડાની પેટીમાં સંતાડી દીધાં. એટલામાં પોલીસ, મટવાડનો મોસમમીયો, તેનો દીકરો લાલમીયાં દોડતા ત્યાં આવી પહોંચ્યા. પાનીબેનને પુછ્યુંઃ અહીં ડાહી નામની છોકરી આવી છે?” દેલવાડાનાં પાણી પીધેલ પાનીબેન પણ કંઈ કાચી માટીનાં નોતાં. ફટથી કહી દીધુંઃ ના, ના, અહીં તો ડાહીએ નથી ને ગાંડીયે નથી…ચારેય ડાઘીયા વીમાસણમાં મુકાઈ ગયા!

જો ડાહીબેન પકડાઈ ગયાં હોત તો પોલીસો મારી મારીને એમનું કચુંબર કરી નાખત. એમને પુછતઃ તમારા પતી ક્યાં છે? પોલીસને કોણે મારી નાખ્યો હતો.?” પણ ડાહીબેન બચી ગયાં હતાં. છ મહીના સુધી ભુગર્ભવાસમાં રહીને સ્વતંત્રતાની લડતમાં પતીને સાથ આપતાં રહ્યાં હતાં. આજે ૮૫ વર્ષની જૈફ ઉંમરે પણ એ દીવસો યાદ કરતાં ચહેરા પર તેજ ઝગારા મારે છે. ડાહીબેન એટલે દેશની આઝાદી માટે માથું મુકીને ઝઝુમનાર એક વીરાંગના!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s