સોડીયાવડનો જંગ

સોડીયાવડનો જંગ
૨૫મી ડીસેમ્બર ૧૯૪૨ની રાત હતી. મારી સાથે અન્ય પ્રખર રાષ્ટ્રવાદી રામાભાઈ ઉંકા, જેરામભાઈ સુખા અને તાડ પર ત્રીરંગો ફરકાવનાર નારણભાઈ ઉંકા, અમે ચારે જણાએ નારણભાઈના ઘરમાં આશરો લીધો હતો. શું પ્રવૃત્તીઓ કરવી અને પોલીસના પંજામાંથી કેમ છટકવું તેની ચર્ચા વીચારણા કરી અમે ચારે ગાઢ નીદ્રામાં પોઢી ગયા હતા. કોઈ દુષ્ટ દેશદ્રોહીઓએ પોલીસોને બાતમી આપી દીધી હશે. એટલે ત્રણેક વાગે, વહેલી સવારે ઘરને ઘેરી લીધું. ચારેય જણ જાગી ગયા. બાકોરામાંથી નજર કરી. પોલીસો નજરે પડ્યા. લોહી ઉકળી ઉઠ્યું. પોલીસોનું કાટલું કાઢી નાખીએ એમ થઈ ગયું. પણ બીજી જ ક્ષણે એમ થયું કે તો તો ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે. એટલે ચારે જણ શરણે થઈ ગયા. ચારેને બંદીવાન બનાવી મટવાડ પોલીસચોકીએ લઈ ગયા. પરોઢ થતાં વાત આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ.
પોલીસોના ચહેરા પર ગઢ જીત્યાનો હરખ હતો. વર્તમાન પત્રોમાં ચારેની ધરપકડના સમાચાર આપવા ઉતાવળા થઈ રહ્યા હતા.
આસપાસના ગામોમાં રહેતા ક્રાંતીકારી યુવાનોને સંદેશવાહકો મારફતે જાણ કરવામાં આવી. કરાડીના ક્રાંતીકારી રવજીભાઈ છીબાને જાણ થતાં તેમનો પારો આસમાને પહોંચી ગયો. કંઈક કરવું જોઈએ એમ થયું. અને રવજીભાઈ જે નક્કી કરે તે પાર પડે જ. એવી એમની ધૃતી. એમણે રણછોડભાઈને વાત કરી. પકડાયેલા રાષ્ટ્રવાદીઓને પોલીસના પંજામાંથી છોડાવવા જ એવી ગાંઠ વાળી. સોડીયાવડ પાસે પોલીસો પર હુમલો કરી જાનના જોખમે પણ બધાને છોડાવવાના છે એવું એલાન થઈ ગયું. આસપાસના ગામોમાં રહેતા ક્રાંતીકારીઓને સોડીયાવડની પરબ પાસે આવી પહોંચવાનું કહેણ મોકલાઈ ગયું. પકડાયેલ ચારે જણને બળદગાડામાં બેસાડીને લઈ જવાના છે એવી બાતમી મેળવી લીધી.
સવાર થતાં રાષ્ટ્રવાદીઓની ખબર કાઢવા સગાંસ્નેહીઓ આવી પહોંચ્યાં. સૌ ચીંતીત હતાં. શું થશે? ભાવી અંધકારમય હતું. કેમ કે મટવાડ ખાતે ખેલાયેલ જંગમાં એક પોલીસ માર્યો ગયો હતો. ચાર બંદુકો લોકોએ ઝુંટવી લીધી હતી. મામલો ગંભીર હતો. સાબીત થાય તો કાં ફાંસીની સજા થાય, કાં ૨૦ વરસની કેદ માથે લટકતી હતી.
મોટા ક્રાંતીકારીઓ સોડીયાવડ આગળ પહોંચી ગયા હતા. ધોળે દીવસે ધાડ પાડવાની હતી- બંદુકધારી પોલીસો પર, ને સાથીદારોને છોડાવવાના હતા. પરબની પાછળ બધા સંતાઈ ગયા. કેટલાકે ઓળખાઈ નહી એ માટે બુકાની બાંધી હતી.
હુમલાની આગેવાની રવજીભાઈ છીબાએ લીધી હતી. તેઓ સૌની મોખરે હતા. તેની પાછળ રણછોડભાઈ રવજીભાઈ, ત્રીજા નંબરે નરસીંહભાઈ મંગા હતા. બાકીના સૌ પાછળ હતા. ક્યારે ગાડાં આવે ને ક્યારે હુમલો કરીએ? ક્યારે સાથીદારોને છોડવીએ? મગજમાં કંઈ કંઈ થતું હતું.
એવામાં કેદીઓને લઈને ગાડાં આવી ગયાં. એક ગાડામાં કેદીઓ અને પોલીસો હતા, બીજા ગાડામાં કેદીઓનાં કુટુંબીજનો હતાં. પાણી પીવા માટે ગાડાં ત્યાં થોભ્યાં. એ તકનો લાભ લઈને ક્રાંતીકારીઓએ એમની ઉપર હુમલો કર્યો. નરસીંહભાઈ મંગાએ આવેશમાં હવામાં ગોળીબાર કર્યો. પરીસ્થીતી વણસી ગઈ. કેટલાક એમ સમજ્યા કે પોલીસે ગોળીબાર કર્યો. એટલે તેઓ પાછા હટી ગયા. ગોળીબારના અવાજથી પોલીસો બેબાકળા બની ગયા. એટલામાં ક્રાાંતીકારી ભાઈઓએ કેદીઓને છોડાવવા હુમલો કર્યો. પોલીસો કુદી પડ્યા. ઝપાઝપી થઈ. એમાં રવજીભાઈ છીબાભાઈ, રણછોડભાઈ રવજીભાઈ, છગનભાઈ રણછોડભાઈ અને ગોસાંઈભાઈ છીબા મુખ્ય હતા.
ઝપાઝપી દરમીયાન એક કદાવર બંદુકધારી પોલીસ છટકી ગયો. તે પોતાનું કૌશલ્ય અજમાવે તે પહેલાં ગોસાંઈભાઈ છીબાએ એની બંદુક પર બે હાથ ભીડાવી દીધા. કદાવર પોલીસે પોતાની બંદુક છોડાવવા સઘળી તાકાત અજમાવી. પણ ગોસાંઈભાઈએ બંદુક છોડી નહી. કદાવર પોલીસ જ્યારે બંદુક છોડાવી શક્યો નહી, ત્યારે પોતાની વધુ ઉંચાઈનો લાભ લઈને ગોસાંઈભાઈના માથામાં ઝીંકવા માંડ્યો. ગોસાંઈભાઈના માથમાંથી લોહી નીકળવા માંડ્યું. એક કારમી ચીસ સંભળાઈ. ત્યાં તો રવજીભાઈ છીબા, નરસીંહભાઈ મંગા અને ઉંકાભાઈ દોડી આવી પઠાણી પોલીસને ઝબ્બે કરી લીધો. એની પાસેથી બંદુક ખુંચવી લીધી. જો ગોસાંઈભાઈએ અગમચેતી ન વાપરી હોત તો બેચારનાં રામ રમી જાત.
નરસીંહભાઈ મંગાએ આવેશમાં આવી હવામાં ગોળીબાર કર્યો ત્યારે હું અબ્દુલ ગની નામના પોલીસને ગુલાંટ મરાવીને ભાગી છુટ્યો. માની મુલાકાત લઈને સીધો પુર્ણા નદીને કાંઠે આવ્યો. સામે કાંઠેથી ગાયકવાડી રાજ્યની મુક્ત હવા મને આવકાર આપી રહી હતી. પુર્ણા નદી તરીને હું દેલવાડાનો મહેમાન બની ગયો.
બંદુક ઝુંટવાઈ ગઈ એટલે પોલીસોનો પારો ઉતરી ગયો. અબ્દુલ ગનીની સુરત ખાતે બદલી કરી દેવામાં આવી.
તે જમાનામાં આ જંગ ‘સોડીયાવડ કેસ’ તરીકે પ્રસીદ્ધી પામ્યો હતો. આ જંગથી પોલીસોને કાંઠાના બ્લડગૃપનો ખ્યાલ આવી ગયો. કાંઠાના લોકોએ પોતાના પાણીનો પરચો બતાવી દીધો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતીહાસમાં કાંઠાનું આ ખમીર ભુલી શકાય તેવું નથી.
મારા સીવાય બાકીના ત્રણ કેદીઓ રામભાઈ ઉંકાભાઈ, જેરામભાઈ સુખા અને નારણભાઈ ઉંકાએ ભાગી જવાનું સાહસ નહોતું કર્યું. કર્યું હોત તો રંગ રહી જાત.
ત્રણેને જલાલપોરના થાણામાં લઈ ગયા હતા. હુમલાખોરોની ઓળખાણ પુછવામાં આવી હતી. એમણે બાતમી નહોતી આપી. એટલે સખત માર મારવામાં આવ્યો હતો.
મટવાડના ગાંડાભાઈ છીબા પોલીસને ભટકાઈ ગયા હતા. તેમને શક પરથી મુઢમાર મારવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડવાસી સૌ ભાઈ ન્યુઝીલેન્ડની ઠંડી હવામાં જીવ્યા ત્યાં સુધી બેંતાલીસની લડતને યાદ કર્યા કરતા હતા.
આશ્ચર્યની વાત તો એ બની કે સોડીયાવડ કેસમાં જેઓ લેશમાત્ર સંડોવાયા ન હતા તેવા જેકભાઈ, પી.સી., લલ્લુભાઈ મકનજી, નાથુભાઈ, એચ. બી. અને કાનજીભાઈ તો ત્યાં હતા જ નહી, તો પણ તેમને સંડોવી દેવામાં આવ્યા હતા.
ભરુચના રાષ્ટ્રવાદી વકીલ મોતીલાલ વીણએ આ ભાઈઓને પોલીસના પંજામાંથી છોડાવ્યા હતા. તેમની સેવા હંમેશાં યાદ રહેશે. તેમણે ગોસાંઈભાઈ છીબાને બીરદાવતાં એવું કહ્યું હતું કે સ્વતંત્ર ભારતમાં બહાદુરી માટે બ્રીટીશ રાજ્યમાં જે વીક્ટોરીયા એવૉર્ડ આપવામાં આવે છે તેવો એવૉર્ડ જાહેર કરવામાં આવે તો તે ગોસાંઈભાઈ છીબાને આપવો જોઈએ. અમારી વકીલાત સુરતના લલીતમોહન ગાંધીએ કરી હતી. અમને નવ નવ માસની સજા થઈ હતી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s