જેલમાં જેકનું કૌશલ્ય

જેલમાં જેકનું કૌશલ્ય

આચાર્ય મણીભાઈના ચેલાઓ કંઈ સખણા બેસે એવા ક્યાં હતા? તેઓ તો સળીયા કાપીને ભાગી જવાનો ઘાટ ઘડતા હતા. પરંતુ જેલના ચોરસ સળીયા કાપવું તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. એટલે એ વીચાર પડતો મુક્યો. પીરામીડનો વીચાર કર્યો. પણ તેમાં તો એક જ જણ ભાગી શકે. એટલે એ પ્લાન પણ પડતો મુક્યો. આચાર્ય મણીભાઈએ પોતાનો પ્રભાવ પેલા લારીવાળા પર અજમાવ્યો. જેલનું તાળું બતાવી કહ્યું કે આ તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી લાવ. ત્રણેક દીવસ પછી એ ચાવી બનાવી લાવ્યો. જેકભાઈએ બીડું ઝડપ્યું. મને આડો ઉભો રાખી તાળું ખોલવા લાગ્યો. તાળું ખોલી તો નાખ્યું, પણ તાળું બંધ નહોતું થતું. એટલે મુંઝાયા. ઘણી માથાકુટ કરી, પણ તાળું બંધ ન થયું. આ તો ઉપાધી થઈ! વોર્ડર જોઈ જાય તો આવી જ બને. તે કરતાંય વધુ ચીંતા એ હતી કે ભાગવાનો પ્લાન બહાર પડી જતો હતો. શીવાનંદ નામના વોર્ડર પર એમની નજર ગઈ. બપોરના સમયે બધા વીશ્રામ કરતા હતા ત્યારે શીવાનંદ લીમડાના છાંયડે બેસી આરામ કરતો હતો. ત્યારે જેકભાઈ ત્યાં પહોંચી ગયા.
જેક જેનું નામ! વાતવાતમાં શીવાનંદને ખુશ કરી દીધો. પછી હસતાં હસતાં કહે – “મારે પેલા ત્રણેનો ઘાટ ઘડવો હતો પણ……..”
“પણ શું?” શીવાનંદે પુછ્યું.
“મારે એ ત્રણેને લોક કરી દેવા છે.” જેકે કહ્યું.
“શા માટે?” શીવાનંદે પુછ્યું.
“એ ત્રણે ભારે ખેપાની છે.” જેકે કહ્યું.
“તું શું કરવા ધારે છે જેક?” શીવાનંદે પુછ્યું.
જેક ઃ તમે ચાવી આપો તો એ ત્રણેને લોક કરી દઉં.
શીવાનંદ ઃ લઈ જા, પણ પાછો જલદી આપી જજે.
જેક ઃ હમણાં જ પાછો આપી જાઉં.
જેકભાઈ તો ઝુખમો લઈને ઉપડ્યા. કોટડીનાં બારણાં વાસી દીધાં. નહી બંધ થતું તાળું બંધ કરીને અડાગરો ઉપરથી મુકી દીધો. થોડી વાર આમતેમની વાતો કરી શીવાનંદ કોટડી પાસે આવ્યો. તાળું જોતાં બોલી ઉઠ્યો, “જેક, તાળું નીચે ને અડાગરો ઉપર?” જેક કહે, “અંદરવાળાને થોડી જ ખબર છે?” સાંજે મણીભાઈએ પુછ્યું, “જેક, તાળું કેવી રીતે બંધ કર્યું?” જેક કહેઃ “તમારે શી લેવાદેવા?” પછી બધી વાત કરી.
બીજે દીવસે લારીવાળાને બોલાવી વાત કરી. એયે કીમીયાગર નીકળ્યો. એ કહે, “આવતી કાલે હું મેંશની ડબ્બી આપી જઈશ. ચાવી પર મેંશ લગાવીને ચાવી ફેરવવાની. જ્યાં નીશાની પડે તે ભાગ પથ્થર પર ઘસવાનો. તો ચાવી બરાબર થઈ જશે.”
મણીભાઈ તો એનો કીમીયો જોઈને ખુશ ખુશ થઈ ગયા.
એક દીવસ કેદીઓની ચોકી કરનારા જમવા ગયા હતા. આ તકનો લાભ લઈને જેકભાઈએ પોતાનું કાયાકૌશલ્ય કસી જોયું. દોડતા છ ફુટ ઉંચા કુવાના થાળા પર થઈ પીપળાના થડ પર અને પીપળાના થડ પરથી પંદર ફુટ ઉંચી દીવાલ પર ચડી ગયા. હું નીચે ઉભો હતો. હું તો છક જ થઈ ગયો.
એક દીવસે જેકભાઈ એક ચકલી પકડી લાવ્યા. મણીભાઈ પાસે આવી કહેવા લાગ્યાઃ “જો તમે રજા આપો તો હું ઘડીના છઠ્ઠા ભાગમાં બધાને જેલમાંથી ભગાડી જાઉં.” મણીભાઈ કહેઃ “એ કઈ રીતે?”
જેકભાઈએ હળવેકથી ખીસામાંથી ચકલી કાઢી. એમના મોં પાસેથી ફુરરર કરતાં ઉડાડી. પછી કહ્યુંઃ “આ રીતે.” આચાર્ય મણીભાઈ તો પોતાના શીષ્યની કરામત જોઈને ખુશ ખુશ થઈ ગયા.
આ તરફ મણીભાઈએ રવજીભાઈ છીબાને કહેવડાવી દીધું. ફરી મુલાકાતે આવો ત્યારે ફળના કરંડીયામાં રીવોલ્વર લાવજો. જેલમાં ક્રીમીનલ કેદીઓનો વૉર્ડર રાજેખાં બધાને ખુબ ત્રાસ આપતો હતો. એટલે રાષ્ટ્રવાદીઓએ એવું નક્કી કર્યું કે રાજેખાં ડ્યુટી પર હોય ત્યારે જ ભાગી જવું. જેથી રાજેખાંની તમરી ઉતરી જાય. રાજેખાંને વીશ્વાસમાં લેવાનું કામ મણીભાઈએ જેકભાઈને સોંપ્યું. જેકભાઈ રાજેખાંને મળ્યા. અને કહ્યુંઃ “અમારા ઘરનાં અને સગાંસંબંધીઓ મળવા આવવાનાં છે. તમારે કંઈ જોઈતું હોય તો મંગાવી શકાય.” એણે કહી દીધુંઃ “જેક, સુકા બુમલાનાં બે બંડલ લાવવા કહેજો.”
જેકભાઈએ કહ્યુંઃ “ભલે, જરુર મંગાવી દઈશ.”
રાજેખાંને ક્યાંથી ખબર હોય કે સુકા બુમલાના બદલામાં આ જીવતા બુમલા તેની જાળમાંથી છટકી જવાની પેરવી કરી રહ્યા છે!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s