જેલનો ઝંઝાવાત

જેલનો ઝંઝાવાત

રાષ્ટ્રવાદી કેદીઓને ૧૯૪૩ના ફેબ્રુઆરીની ૨૭મીથી મેની ૨૮મી સુધી નવસારી સબજેલમાં રાખવામાં આવ્યા હતા. આ ત્રણ માસના સમય દરમીયાન અમલસાડ વીસ્તારમાંથી ભાંગફોડની પ્રવૃત્તી કરનારા કેટલાક કોંગ્રેસી કેદીઓ પણ હતા. આ જ વખતે નવસારી શહેરમાંથી પણ કેટલાક રાષ્ટ્રીય કાર્યકરો જેલમાં હતા. આ જેલ વ્યવસ્થામાં રસોડા માટે કેદી દીઠ રકમ સરકાર તરફથી મળતી. તેમાંથી અનાજ અને શાકભાજી બહારથી મંગાવતા. ક્રીમીનલ કેદીઓ અને કોંગ્રેસી રાષ્ટ્રવાદી કેદીઓ બંનેનાં રસોડાં અલગ અલગ હતાં.
નવસારી જેલમાં મણીભાઈ, પી.સી. પટેલ, જેકભાઈ અને મને એમ અમને ચારેને સખત જાપ્તામાં રાખવામાં આવ્યા હતા. બ્રીટીશ પોલીસે ગાયકવાડી જેલ સત્તાવાળાઓને લેખીત સુચના આપી હતી. આ ચારે જણા ઘણા ભયંકર કેદીઓ છે. પોલીસના કબજામાંથી ભાગી છુટ્યા હતા. હથીયારો વાપરવામાં કુશળ છે. અખાડીયન છે. એ પણ જણાવ્યું હતું કે આ ચારેયને ચોવીસે કલાક બેડી નાખીને કોટડીમાં પુરી રાખવા. આ સુચનાનો અમલ શરુઆતમાં તો નો’તો કર્યો. પરંતુ ૧૯૪૩ના એપ્રીલમાં કેટલાક ધાડપાડુ કેદીઓ જેલમાંથી ભાગી છુટ્યા હતા. એટલે અગમચેતી વાપરી અમારા ચારેના પગમાં બેડી નાખી દીધી હતી. આની સામે અમે વીરોધ દર્શાવ્યો હતો. જેની કોઈ અસર ન જણાતાં અમે ચારે જણા ભુખ હડતાલ પર ઉતર્યા હતા. આ સમાચાર નવસારી શહેરમાં પહોંચતાં નવસારીના કોંગ્રેસી કાર્યકર કાશીભાઈ વકીલે જેલ સુપરીન્ટેન્ડેન્ટ મી. ગોરેખાંને મળીને બેડી કઢાવી નાખવાનો પ્રયત્ન કર્યો. પાંચમે દીવસે કાશીભાઈએ ફરીથી ખાતરી આપી કે આ કેદીઓ ભાગી જાય તેવા નથી. આ તો રાષ્ટ્રવાદી કેદીઓ છે. ત્યારે સાંજે ચારેયને બેડીમુક્ત કરવામાં આવ્યા હતા.
આ ભુખહડતાલ દરમીયાન એક મુસ્લીમ હવાલદાર, જેઓ ચાચાના હુલામણા નામે જાણીતા હતા, તેમણે જોયું કે આ મણીભાઈ, પી.સી. અને જેક તો શારીરીક બળે ટકી શકશે. પણ આ નાજુક શરીરવાળો કેસરી શી રીતે ટકી શકશે? એટલે એક દીવસ એ પોતાની ટોપીમાં સમોસા સંતાડી લાવેલો. પછી મને કોટડીની પાછળ તેડી ગયો. અને કરગરીને કહ્યું કે હું મરી જઈશ તો પણ કોઈને કહીશ નહીં. તમે આ સમોસા ખાઈ લો. મેં બહુ જ લાગણીપુર્વક ચાચાના આગ્રહનો અસ્વીકાર કર્યો. ચાચાની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. કહે- “પેલા ત્રણ તો ટકી શકશે. તારાથી નહી ટકાય.” ત્યારે મેં કહ્યું કે “ચાચા, મારે મારી જાતને છેતરવી નથી.” અમારા પર આચરવામાં આવેલ અત્યાચારની વીરુદ્ધમાં બે કાઠીયાવાડી અને એક ગણદેવીના ભાઈ પણ ભુખહડતાલ પર ઉતર્યા હતા.
ઉપવાસ દરમીયાન અમે ચારે જણ બે દીવસ તો હરફર કરી શક્યા, પણ ત્રીજે દીવસે પગ લથડીયાં ખાવા માંડ્યા. ચોથે દીવસે અમે ચારે પથારીવશ થઈ ગયા. આંખે અંધારાં આવવા માંડ્યાં. હું કમળાના રોગનો ભોગ થઈ પડ્યો. ડૉક્ટરે મને દુધ પીવાની સલાહ આપી. કોઈકે કહ્યું કે કેળનાં મુળીયાં છુંદીને પીવડાવો તો સારું.
કમળાના રોગમાં દુષીત પીત્તને કારણભુત માનવામાં આવે છે. આ રોગ પ્રત્યે જો બેદરકારી રાખવામાં આવે તો જીવલેણ પણ બની શકે. આ રોગમાં શેરડીના રસને પ્રતીકારક ગણવામાં આવે છે. એટલે મારા માટે શેરડી ખાસ મંગાવવામાં આવતી. થોડા દીવસ પછી જેકભાઈને નાકે લોહી પડવા માંડ્યું. પ્રતીકુળ ખોરાકને કારણે આવું બન્યું હોય એમ બને. એટલે ૨૮ મેને દીવસે અમને ચારેયને સુરતની સબજેલમાં લઈ જવામાં આવ્યા.
સુરતની સબજેલમાં રાષ્ટ્રવાદી કેદીઓ સીવાય બીજા કેદીઓ પણ હતા. તેમાં બે કોમ્યુનીસ્ટ કેદીઓ પણ હતા. તેમાં વસંતભાઈ કાયદાના સ્નાતક હતા. વડોદરાના મેજીસ્ટ્રેટના દીકરા હતા. એમની જોડે બીલકુલ અભણ એવો છન્નુખાં પણ હતો. છન્નુખાંને અક્ષરજ્ઞાન આપવા માટે વસંતભાઈ કાંઠાના ચારે કેદીઓ પાસેથી પુસ્તકો લઈ જતા. આ કાબેલ વસંતભાઈની મુલાકાત બીજીવાર સાબરમતી જેલમાં થઈ હતી.
હજીરાના રાષ્ટ્રીય આગેવાન બાબુભાઈ પણ સુરતની સબજેલમાં હતા. બાબુભાઈ જેલમાંથી વીદાયની પેરવીમાં વ્યસ્ત રહેતા. એમની જોડે દેલવાડાના નાથુભાઈ જીવાભાઈ પણ હતા. ઉંચા, કદાવર, વાંકડીયા વાળથી શોભતા. મળસ્કે પાંચ વાગે જેલની કોટડીઓ ખોલી નાખવામાં આવતી. ત્યારે બાબુભાઈ નાથુભાઈને બારી પાસે ઉભા રાખી એમની ઉંચાઈનો લાભ લઈ છાપરા પર ચઢી ગયા. ત્યાંથી ઝંપલાવ્યું. પગમાં વાગવાથી ઉઠી શક્યા નહી. ત્યાં જ પડી રહ્યા. સ્વસ્થ થયા પછી ભાગી ગયેલા. સવારે આઠ વાગે ગણતરી કરી. ત્યારે ખબર પડી કે રાષ્ટ્રવાદી કેદી બાબુભાઈ નથી. કેવી રીતે ભાગી ગયા તેનો ભેદ કોઈ પામી શક્યા નહી.
લડત દરમીયાન પુર્ણા નદીના ઉત્તર કાંઠાનાં ગામોમાંથી જે સહકાર મળ્યો હતો તે તો અદ્ભુત હતો. સેંકડોની સંખ્યામાં ઉતરી આવેલા રાષ્ટ્રવાદીઓને આશરો આપવો એ ખાવાના ખેલ ન હતા. નૈતીક ફરજ હતી એ સાચું. પણ જોખમ પણ એટલું જ હતું. રાષ્ટ્રદ્રોહના ગુના બદલ ફાંસી પણ થઈ શકે. તે બધું હોવા છતાં દેલવાડાના ઉદારદીલ, દેશપ્રેમી, ભાઈઓએ જે ખાનદાની બતાવી, જે સૌજન્ય બતાવ્યું, તેનો જોટો જડે તેમ નથી. એમને લાખ લાખ સલામ! સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતીહાસમાં આપણા વીભાગમાં આવું ઔદાર્ય, આવું સમર્પણ, આવું ખમીર, ભાગ્યે જ જોવા મળે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s