સ્વાતંત્ર્ય સેનાનીઓની જેલયાત્રા

સ્વાતંત્ર્ય સેનાનીઓની જેલયાત્રા

૧૯૪૩ની ૧૯મી ફેબ્રુઆરીની રાત્રે દેલવાડા ગામની સીમમાંથી કરાડી, મટવાડ અને દેલવાડાના દશ સ્વાતંત્ર્ય સેનાનીઓને ગીરફતાર કરવામાં આવ્યા હતા. મટવાડનો મોસમમીયો સરકારને બાતમી આપ્યા કરતો હતો. એટલે જ મટવાડના મારા સહીત પી.સી. પટેલ, કરાડીના આચાર્ય મણીભાઈ, જેકભાઈ અને દેલવાડાના ડાહ્યાભાઈ બુધીયાભાઈ, રણછોડભાઈ બુધીયાભાઈ, વલ્લભભાઈ મંગાભાઈ, નારણભાઈ ગાંડાભાઈ, હરીભાઈ જગુભાઈ અને નાથુભાઈ જીવાભાઈને ગીરફતાર કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે સમાચાર પત્રોમાં પ્રગટ થયા હતા.
“દેલવાડા ગામની સીમમાંથી રાત્રે દશ રાષ્ટ્રવાદીઓને ગીરફતાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી શસ્ત્રો અને મોટી રકમ પણ મળી આવી છે. તેઓ અખાડીયન, હથીયારો વાપરવામાં કુશળ અને પોલીસના પંજામાંથી ભાગી જવામાં પ્રવીણ છે.”
‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’માં આ સમાચાર વાંચી મુંબઈમાં રહેતા મણીભાઈના ગુજરાત વીદ્યાપીઠના એક સહાધ્યાયી મદદ કરવાની અપેક્ષાથી નવસારી સબજેલમાં મળવા આવેલા. સાથે ફળોનો એક મોટો કરંડીયો પણ લઈ આવેલા. સુટમાં સુસજ્જ પોતાના આ મીત્રને મણીભાઈ ઓળખી નો’તા શક્યા. જ્યારે મણીભાઈને પાંજરામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે મણીભાઈના સ્મૃતી પટલ પર વીદ્યાપીઠનો એ સહાધ્યાયી સાનંદાશ્ચર્ય પ્રગટ થયો. ભેટી પડ્યા. મણીભાઈએ વીસ્તારથી ઘણી વાતો કરી. ત્યારે સહજ રીતે મીત્રે પુછ્યુંઃ “કયાં કયાં હથીયારો પકડાયેલાં?” ત્યારે મણીભાઈએ કહ્યું કે એક રીવોલ્વર પકડાયેલી. મીત્રે પુછ્યું કે પૈસા કેટલા પકડાયેલા?
મણીભાઈએ કહ્યું કે દયાળભાઈ કેસરીના ખીસામાંથી ૪૨ રુપીયા પકડાયેલા. મીત્રે કહ્યું કે છાપામાં પોલીસે જે ધડાકો કર્યો છે તે સત્ય નથી. મીત્રે કોઈ પણ પ્રકારની મદદ કરવા જણાવ્યું. મણીભાઈએ કહ્યું કે એવી જરુર પડશે ત્યારે કહીશ. જોગાનુજોગ એ જ વખતે મણીભાઈના ગામ અલીન્દ્રાથી પણ પાંચસાત આગેવાનો જેલમાં મળવા આવેલા. મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી. મણીભાઈએ એમને પણ ના જ પાડેલી.
દેલવાડામાંથી પકડાયેલા દશ રાષ્ટ્રવાદીઓ ગાયકવાડી રાજ્યમાંથી પકડાયા હતા. એટલે એમને નવસારી પોલીસ થાણામાં રાખવામાં આવ્યા હતા. બે દીવસ પછી બ્રીટીશ પોલીસે એમને દશ દીવસના રીમાન્ડ પર જલાલપોર પોલીસથાણામાં તબદીલ કર્યા હતા. જલાલપોર પોલીસથાણામાં દરરોજ રાત્રે ઉલટતપાસ કરવામાં આવતી હતી. અનેક પ્રકારના પ્રહારો કરવામાં આવતા હતા. અમાનુષી વર્તન એ જાણે બ્રીટીશ પોલીસનો અબાધીત અધીકાર હતો. પી.સી. પટેલના માથાના વાળ પકડી માથું દીવાલ સાથે ભટકાડતા. દીવાલ બાજુ મોં રાખી વાંકા વાળી મારતા. આથી પી.સી. પટેલના કાને બહેરાશ આવી ગઈ હતી. વાળ ખરી પડ્યા હતા. મણીભાઈ તો કાંઠાની પ્રવૃત્તીના અગ્રેસર હતા. એટલે એમને પણ સખત માર પડેલો. પોલીસની આંખ મારા પર પણ તગતગતી હતી. નસીબ જોગે જેકભાઈ બચી ગયા હતા.
મને ઉલટતપાસ માટે સતત બે રાત ઓફીસમાં બોલાવવામાં આવ્યો હતો. પ્રથમ રાતે પોલીસે અનેક પ્રકારની લાલચો આપી. સારી સારી વાતો કરી. પણ જ્યારે ફોજદારે જોયું કે આ દયાળ કોઈની ઉપર દયા કરે તેવો નથી. ત્યારે બીજી રાતે ફોજદારે પોતાનો પરચો બતાવ્યો. બીભસ્ત ગાળો દીધી. કહ્યું કે તમારા માટે તો ફાંસીનાં દોરડાં લટકે છે. મેં હીંમતથી કહ્યું કે ફાંસીએ લટકવાનો સમય આવશે તો લટકી જઈશું. પણ એ તમારા હુકમથી આવવાનો નથી. એ માટે તો હાઈકોર્ટના જજનું જજમેન્ટ જોઈશે. આ સાંભળી ફોજદારે પોતાનું રોદ્ર સ્વરુપ ધારણ કર્યું. ગાળો ભાંડી. ચમત્કાર બતાવવાનું શરુ કરી દીધું. “સાલ્લાઓ! મને કાયદો બતાવો છો! (બીભત્સ ગાળ)” પછી મારતા મારતા બીજી કોટડીમાં લઈ ગયા. ત્યાં એક પોલીસ અને એક હવાલદાર તહેનાતમાં હાજર જ હતા. તેમને ફોજદારે સુચના આપી કે આને બરાબર ગરમ કરજો. અને ભાઈ….. પછી હવાલદાર કંઈ બાકી રાખે કે? ફોજદારને કોટડીમાંથી બહાર નીકળી જવું પડ્યું! સોની નામના એક પોલીસ ક્લાર્કથી આ સહન ન થયું. એટલે તેણે હવાલદારનો હાથ પકડી લીધો. “હાંઉ કરો હવે….” રાત્રે ૧૧-૩૦ વાગે મને હાથકડી પહેરાવવામાં આવી.
આ બાજુ મણીભાઈ અને પરભુભાઈ (પી.સી.) કોટડીના દરવાજાના સળીયા પકડી મારી રાહ જોઈ રહ્યા હતા. દરવાજામાં દાખલ થતાં જ વડીલ બંધુ સમા મણીભાઈએ મને બાથમાં લઈ લીધો. આખા શરીરે વાત્લ્યભર્યો હાથ ફેરવ્યો. જાણે માનો મમતાળું હાથ! મારથી મારું મોં લાલઘુમ થઈ ગયું હતું.
સોડીયાવડ આગળ અણધાર્યો જંગ ખેલાયો ત્યારે હું અબ્દુલ ગની નામના પોલીસના કબજામાંથી ભાગી છુટ્યો હતો. એને કારણે એની બઢતી અટકાવી દેવામાં આવી હતી. અને સુરત ખાતે એની બદલી કરી દેવામાં આવી હતી. અબ્દુલ ગની એ ભાગી ગયેલ શીકાર પર વેર લેવા બહાવરો બન્યો હતો. એટલે એ સુરતથી જલાલપોર થાણામાં આવ્યો. તે વખતે હું બડી મુછવાલા એક ભૈયાજીની દેખરેખ હેઠળ હતો. મેં એ બડી મુછવાલા ભૈયાજીને કહ્યું કે આ અબ્દુલ ગની મને મારવા માટે આવ્યો છે. જો એ મને મારશે તો જવાબદારી તમારી ગણાશે. એટલે એ બડી મુછવાલા ભૈયાજીએ મને મારવા ન દીધો. પરીણામે હું બચી ગયો.
સ્વરાજવાદીઓ માટે જેલ એ કોઈ આશ્ચર્યજનક ઘટના નહોતી. દરેક રાષ્ટ્રવાદીને ખબર હતી જ, ગમે ત્યારે જેલયાત્રા માટે તૈયાર રહેવાનું છે. દડી (ખાંડણીયું)માં માથું મુક્યા પછી ઘા ગણવાનો શો અર્થ? રાષ્ટ્રવાદીઓ તો રાષ્ટ્રને માટે ગમે તે કુરબાન કરવા તૈયાર હતા.
યારો ફનાના પંથ પર આગે કદમ! આગે કદમ!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s