રાજપીપળાથી નવસારી

રાજપીપળાથી નવસારી

અમારા પર વૉરંટ હોવાથી અમે રામભાઈ સાથે બે જણા છુપાતા ફરતા હતા. પોલીસથી છુપાવા માટેના સલામત સ્થળ અંગે વીચારતા હતા ત્યારે અમે રાજપીપળા કે જે તે સમયે દેશી રજવાડું હતું ત્યાં જવા નક્કી કર્યું. અમે ચાલતા તવડીથી કાદીપોર અને ધામણ થઈ મરોલી પહોંચ્યા. ત્યાંથી મળસ્કે ટ્રેનમાં અંકલેશ્વરથી ઝઘડીયા થઈ ધામણના ગોરધનભાઈએ રાજપીપળામાં પાંચેમ ગામે જમીન રાખી હતી ત્યાં પહોંચ્યા. જંગલમાં ઘણા ઉંડાણનું ગામ હોવાથી અમે અહીં સુરક્ષીત હતા. ત્યાં ટપાલ કે છાપાં નીયમીત મળતાં ન હોવાથી લડતના સમાચાર બીલકુલ જાણવા મળતા ન હતા. આથી ૧૪-૧૫ દીવસ ત્યાં રહ્યા બાદ પાછા ફરવાનું વીચાર્યું. પરંતુ ત્યાંથી પાછા શી રીતે આવવું તે પ્રશ્ન હતો, કેમ કે કરાડી-મટવાડના બે ભાઈઓ ટ્રેનમાંથી પકડાઈ ગયા હતા. આથી ટ્રેનમાં જવું જોખમકારક હતું. વળી ચોમાસાના દીવસો હોવાથી રસ્તા કાદવ-કીચડવાળા હતા, છતાં અમે પગપાળા નવસારી પહોંચવાનો વીચાર કર્યો અને બપોરે ૧૨-૦૦ વાગ્યે ૪ ભાખરી લઈ પાંચેમથી ખેતીના રખેવાળના વેશમાં નીકળ્યા.
સાંજે અમે આમકુટ્ટા ગામે જ્યાં માણેકપોરના એક મુસ્લીમ ચાચા રહેતા હતા ત્યાં આવ્યા. અહીં અમે રાત્રે રહેવાનું વીચાર્યું હતું. પરંતુ તેઓ ઘરે ન હતા. આથી ત્યાંથી એક ભોમીયો લીધો જે અમને બોઢાણ ગામ જ્યાં એક પારસી બાવા રહેતા હતા ત્યાં લઈ ગયો. માંડવીથી આ ગામ ૧૨ માઈલ જેટલું દુર હતું. અમે ત્યાં રાત્રે ૧૦-૦૦ વાગ્યે પહોંચ્યા. અહીં અમને ખીચડીના ભોજનની ઑફર કરવામાં આવેલી, પણ અમે જમ્યા ન હતા.
અહીંથી અમે મળસ્કે ચાલી નીકળ્યા અને પાકા રસ્તે ચાલતાં ચાલતાં તાપી નદી આગળ પહોંચ્યા. હોડીમાં તાપી નદી ઓળંગી ઓરણા ગામે રણછોડભાઈના ઘરે આવ્યા. રણછોડભાઈ ઘરે ન હતા, ખેતરે ગયા હતા. એમનાં પત્નીએ કહ્યું, “તમે ભુખ્યા હશો, અમારા ખેતમજુરો (હળપતીઓ) માટે બનાવેલ રસોઈ વધી છે તે તમે જમી લો.” અમે ના પાડી છતાં બહુ આગ્રહ કર્યો આથી જમવા બેઠા. પરંતુ જે વાસણમાં કઢી આપવામાં આવી હતી તે કાણું હતું, આથી અમે બધી કઢી થોડી થોડી ઝડપથી વહેંચી લીધી. રણછોડભાઈ ન મળ્યા આથી મેં એમની પત્ની પાસેથી કાગળ માગી ચીઠ્ઠી લખી. મારી પાર્કર પેન વડે ચીઠ્ઠી લખી ત્યારે એ બહેનની નજર પાર્કર પેન તરફ જ હતી તે રામભાઈએ જોયું, અને મને ઈશારો કર્યો. મેં પેન ઝડપથી સીંગલેટમાં મુકી, પણ બરાબર બંધ થઈ ન હોવાથી માત્ર ઢાંકણ રહી ગયેલું અને પેન ક્યાંક પડી ગઈ હતી.
ત્યાંથી અમે ભક્ત કોમના આગેવાન શ્રી ઝીણાભાઈના ગામ વાવ આવ્યા. અમે રાજપીપળામાં ખેતીના રખેવાળ તરીકે અમારી ઓળખાણ આપી. ઝીણાભાઈને એમાં કોઈ શક લાગ્યો ન હતો, પરંતુ એમનો છોકરો અમારા માટે ચા લઈને આવ્યો. તેણે મને તરત જ ઓળખી કાઢ્યો. તે કહે, “તમે પાટીદાર આશ્રમમાં હતા?”
મેં કહ્યું, “ના, તમારી કંઈક ગેરસમજ થતી હશે. હું તો ખેતીનો રખેવાળ છું અને ડાંગરની રોપણી પુરી થઈ આથી ખબર આપવા અમે પાછા વળ્યા.” (મારો પહેરવેશ પણ રખાનો જ હતો).
જેમ જેમ હું ના પાડું તેમ તેમ એ વધુ પુરાવા આપતો ગયો.
“તમારું નામ દયાળભાઈ, તમે અખાડાની કસરત કરાવતા..,” વગેરે.
એણે એના પીતાને વાત કરી. આ પછી ઝીણાભાઈ સાથે ઘણી વાતો થઈ. એમનો આગ્રહ હતો કે અહીંથી અમારે બસમાં જ જવું જોઈએ. આથી બસસ્ટેન્ડથી અમે બસમાં ચડ્યા, તો અંદર પોલીસના બે માણસો બેઠેલા. રામભાઈ ગભરાયા. મને કોણી મારી ઈશારો કર્યો, “શું કરીશું?”
મેં કહ્યું કે ગભરાવું નહીં, આપણે બસના પાછળના ભાગે બેસી જઈએ અને પહેલું બસસ્ટોપ આવે ત્યાં ઉતરી જઈશું.
વાવથી ઉપડેલી બસ ચલથાણ આવીને ઉભી રહી. ત્યાં અમે ઉતરી ગયા તો લશ્કરના ચોકીયાતો. એ બધા રાઈફલ સાથે ઉભા હતા. રામભાઈ સાથે અમે નક્કી કર્યું કે એ તરફ જોવું જ નહીં. ઉભા રહેવાનું કહે તો હું ઉભો રહીશ, પણ રામભાઈએ ચાલતા જ રહેવું. જો કે ત્યાં કશું થયું નહીં.
ચલથાણથી આવતાં રસ્તામાં એક જગ્યાએ કુવો આવે છે એવો મને ખ્યાલ હતો, જ્યાં ડોલ અને સાંકળ પણ રાખવામાં આવતી. ત્યાં અમે પહોંચ્યા. કુવામાંથી પાણી કાઢી, હાથપગ ધોઈ પાંચેમથી લાવેલા તે ભાખરી ખાધી.
અમે રાત્રે ૧૦-૩૦થી ૧૧-૦૦ વાગ્યે કાદીપોર પહોંચ્યા. ત્યાં જેરામભાઈ રવજી અને રણછોડભાઈ ગોવીંદ હીંચકા પર બેઠેલા. અમે ખભા પર છત્રી એવી રીતે પકડી હતી કે જાણે રાઈફલ હોય. આથી અમને જોઈને આ બંને ભાઈઓ ગભરાઈ ગયેલા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s