બાતમીદારોના બેહાલ

બાતમીદારોના બેહાલ

પોલીસોના ત્રાસથી બચવા માટે અને સ્વરાજ્યની ચળવળને જ્વલંત રાખવા માટે કરાડી-મટવાડના મીત્રો દેલવાડા ગામમાં રહેતા હતા. દેલવાડા ગામનો સીમાડો રાટ્રવાદીઓનું આશ્રયસ્થાન હતું. કેટલાક રાટ્રવાદીઓ પર પોલીસખાતાનું વૉરંટ હતું. તેઓ ક્યાં છુપાયા છે? શું કરે છે? વગેરે બાતમી મેળવવા માટે મટવાડના પોલીસપટેલ મોસમમીયાં, એનો દીકરો લાલમીયા, આવડાફળીયાના દયાળ દીલી અને દુભા છાપી કેટલીક વાર દેલવાડા ગામની મુલાકાતે તાડી લેવાને બહાને કે બળદ, ગાય કે ભેંસની શોધને બહાને આવી ચડતા હતા. મોસમમીયો તો બ્રીટીશ સરકારનો પાકો ખાંધીયો હતો. બાતમીદારનું કામ કરતો હતો. એ રાષ્ટ્રવાદીઓની દરેક પ્રવૃત્તીઓ પર, ગતવીધીઓ પર ચાંપતી નજર રાખતો હતો. પણ રાષ્ટ્રવાદીઓ એની જાળમાં ફસાય જાય એવા કાચી માટીના નહોતા.

દુભા છાપીની હોડી

દેલવાડામાં રહેતા રાષ્ટ્રવાદીઓ કેટલીક વાર પોતાના કુટુંબીઓના ખબરઅંતર પુછવા ગામ જતા હતા. પોલીસના ત્રાસને કારણે કુટુંબીઓની ચીંતા કરતા હતા.

જેકભાઈને એમ થયું કે કુટુંબીઓને મળવા જાઉં. જેકભાઈ પ્રખર રાષ્ટ્રવાદી, અખાડીયન અને કુનેહબાજ. આઝાદીની કોઈ પણ ચળવળમાં એ હોય જ. સરકાર સામેની ભાંગફોડ પ્રવૃત્તીના એ પ્રણેતા હતા, પ્રાણ હતા.

એક વાર મટવાડના ચોરા પર બોંબ મુકવાનો વીચાર કર્યો. ચોરા પર તો પોલીસનો જમેલો હોય. પકડાઈ ગયા તો….. પણ એ જ તો જેકભાઈ. જેક જેનું નામ. પોતાના સ્વપ્નને સાકાર કરવા પુર્ણાને કીનારે આવ્યા. ભરતીના પાણીનો પ્રવાહ ધસમસતો હતો. વીચાર્યું કે થોડી રાહ જોઉં. મટવાડના ચોરાના ફુરચા ઉડાવવાના તરંગમાં તેઓ રાચતા હતા. એટલામાં દુભો છાપી પોતાની હોડી લઈને ત્યાં ભટકાણો. ક્યાં જવું છે? જેકભાઈને પુછ્યું. ઘરે જવું છે, કુટુંબીઓને મળવા. જેકભાઈએ કહ્યું.

અને જેકભાઈ પુર્ણા નદી તરીને કરાડીને કાંઠે આવ્યા. ત્યાં અચાનક વેઠીયો મળ્યો. જેકભાઈ વેઠીયાની ગતીવીધી તો જાણતા જ હતા. લોહી ઉકળી ઉઠ્યું. જા, તારા બાપને કહી દેજે કે સીંહ આવ્યો છે. હીંમત હોય તો પકડે.

આવા જેકભાઈ!

કાંઠાનું લુણ. સામેથી પડકારે!

જેકભાઈ જાણતા જ હતા કે દુભો છાપી દુભો જ છે. દુભાયેલો છે. દુર્મતી છે. તાડી કે બીજાં કોઈ બહાનાં હેઠળ આવતો અને પોલીસોને બાતમી પુરી પાડતો હતો. દેલવાડાવાસીઓ પણ એની આ દુર્ભાવના ભરેલી ચાલ પામી ગયા હતા. દુભા છાપીએ સમાચાર પહોંચાડી દીધા. રાત્રે જેકભાઈના ઘરે દરોડો પાડ્યો. જેક ચકોર હતા. તેઓ રાત્રે જ મામાના ઘરે પહોંચી ગયા હતા જલાલપોર. ભાભીએ મોડી રાત્રે શાકરોટલા બનાવી જમાડ્યા હતા જેકભાઈને.

આ તરફ પોલીસોએ જેકભાઈના ઘરને ઘેરી લીધું. તપાસ કરી. જેકભાઈ મળ્યા નહીં. એટલે કુટુંબીઓ પર ખાર ઉતાર્યો. જેકભાઈના વૃદ્ધ પીતાને મારી મારીને પાડી નાખ્યા. ઘર સળગાવી મુકવાની ધમકી આપી. ધમાલને કારણે ઓટલા પર સુતેલી કેસલી ગાંડી જાગી ગઈ. ઘરમાં આવી ઘાસના ઢગલા પર બેસી ગઈ. વેઠીયાએ કહ્યું, આનો કંઈ ભરોહો નંઈ. પોલીસો ગભરાયા. કેસલી ગાંડીને કારણે ઘર બચી ગયું. પણ જેકભાઈના પીતાને પકડી ગયા. આ તરફ જેકભાઈ જલાલપોર, તવડી થઈ દેલવાડાની બોડમાં પાછા આવી ગયા. બેચાર દીવસ પછી પાછા ગયા, ત્યારે ખબર પડી કે આવું બની ગયું. રૂંવાડાં ઉભાં થઈ ગયાં. અંતરનો ઉભરો એમણે ડાહ્યાભાઈ બુધીયા સમક્ષ ઠાલવ્યો. ડાહ્યાભાઈ દેલવાડાની મોંઘી જણસ. રાષ્ટ્રવાદીઓના ભેરુ. રાષ્ટ્ર માટે તનમનધનથી ખુવાર થનાર. જેકભાઈએ તેમને કહ્યુંઃ આપણે એક કામ કરવાનું છે.

શું?

આ દુભો છાપી સરકારનો ખાંધીયો છે. જેકે કહ્યું.

તે આજે ખબર પડી? ડાહ્યાભાઈએ કહ્યું.

જેક ઃ એની હોડીને સ્વરાજ્યના યજ્ઞમાં હોમવાની છે.

ડાહ્યાભાઈ ઃ સાથે સાથે એને પણ હોમી દેવાની જરુર છે.

જેક ઃ મટવાડના બંદરે લંગારેલી હોડીઓમાંથી તમે એની હોડીને

ઓળખી શકશો?

ડાહ્યાભાઈ ઃ હા, હા, ચોક્કસ.

જેક ઃ આજે અમાસ થઈ. બીજત્રીજની ભરતીનો લાભ ઉઠાવીએ.

ડાહ્યાભાઈ ઃ આપણે એકબે જણને સાથે લેવાની જરુર પડશે.

જેક ઃ સોલંકી અને ડી. ડી.ને લઈ લઈએ.

ડાહ્યાભાઈ ઃ હું આજે જ એમને કહી દઉં.

જેક ઃ બે મોટા કુહાડા અને નરાજની પણ જરુર પડશે. દુભા

છાપીના લગનમાં રસોઈ કરવા માટે.

ડાહ્યાભાઈ ઃ લગ્નમાં આપણા ચાર સીવાય બીજા કોઈને બોલાવવાની

જરુર નથી.

જેક ઃ બેત્રણ દીવસ પહેલાં મારા ઘરે પોલીસ મોકલી ખુબ ત્રાસ

આપેલો. મારા પીતાને પકડી ગયેલા.

ડાહ્યાભાઈ ઃ આપણે હોડી માટે નારણભાઈને કહેવું પડશે.

નારણભાઈને વાત કરી. એણે કહ્યું જ્યારે જોઈએ ત્યારે લઈ જજોને.

નારણભાઈએ દુભા છાપીના લગનનું મુરત ગોઠવી કાઢ્યું. ત્રીજનાં પાણી રાત્રે બેના સુમારે આવે. ભરતી પણ મોટી. ચારે જણ હોંશે હોંશે હોડીમાં ગોઠવાયા. જેકભાઈએ સઢ ચઢાવ્યો. પવનવેગી હોડીએ કરાડીની ખાડીમાં પ્રવેશ કર્યો. રોયલી (લંગર) નાખી. ચાલતા ચાલતા મટવાડ બંદરે આવી પહોંચ્યા. ડાહ્યાભાઈએ દુભા છાપીની હોડી શોધી કાઢી. સોલંકીએ કહ્યું કે આમાં તો કેરોસીનના ખાલી ડબ્બા છે. તો તો એ ચોક્કસ નવસારી જવા રાત્રે આવવાનો જ. ખાલી ડબ્બાને પાણીમાં પધરાવી દીધા. સઢના ચીરા કરી પુર્ણામાતાને અર્ઘ્ય આપ્યો, ડાહ્યાભાઈએ અને જેકભાઈએ કુહાડાથી અને નરાજથી પલબાણ અને પાટીયાંને છુટાં કરી તરતાં મુકી દીધાં. જાય બધું તણાતું, ત્રીજની ભરતી, એટલે પુછવું જ શું? પછી પાછા પોતાની હોડીમાં આવ્યા. રોયલી ખેંચી. સઢ ચઢાવ્યો. કરાડીની કડ્ડી (કીનારો) છોડી દેલવાડાની ખાડીમાં આવી પહોંચ્યા. થાકને કારણે નીદ્રાદેવીને શરણે ગયા. પથારીમાં પડતાં ભેગા ઘસઘસાટ ઉંઘી ગયા.

નારણભાઈને ખબર ન પડી કે એની હોડી સ્વરાજ્યના યજ્ઞમાં પવીત્ર થઈને આવી ગઈ છે.

સવારે બધા જાગ્યા ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું જેકભાઈ, દુભો છાપી હવે પછી દેલવાડાનું નામ તો શું, દેલવાડા તરફ માથું રાખીને સુશે પણ નહિ!

એ જ લાગનો હતો એ. જેકભાઈએ કહ્યું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s