પોલીસોનો કાળો કેર

પોલીસોનો કાળો કેર
જંગ તો ખેલાઈ ગયો, પણ એનું ઝેર હવે પછી પ્રસરવાનું હતું. એક બાજુ સરઘસ વીખેરાઈ ગયું. બીજી બાજુ મટવાડના પોલીસથાણા પર બલુચી દળ ગોઠવાઈ ગયું. તે વખતે મટવાડનો પોલીસ પટેલ મોસમમીયા નામનો એક મુસલમાન હતો. તોરી, તુંડમીજાજી, સરકારનો ખાંધીયો. એ મગરુબીથી બોલતોઃ “સાલ્લાઓ, સવરાજ લેવા નીકળી પડ્યા છે! ચકલીને દાંત આવશે, હથેળીમાં વાળ ઉગશે, ત્યારે સવરાજ મળશે!” એને એવી કલ્પના જ નહીં કે હીન્દુસ્તાનને આઝાદી મળશે.
એ ગોઝારા દીવસની એક રાતે અનેક રાષ્ટ્રવાદીઓને ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. મટવાડના કુંભારફળીયામાં રાત્રે બે વાગે છાપો મારી, બારણું તોડી, છીમાભાઈ દુભાભાઈને ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. સગીર વયના એમના દીકરા છોટુભાઈને પણ ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. કુંભાર ફળીયાના બીજા પણ અનેકને ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. દોલા ફળીયા અને નીશાળ ફળીયામાંથી પણ ઘણાને ગીરફ્તાર કરી ચોરા આગળ ભેગા કરવામાં આવ્યા હતા. મારો પત્તો ન મળતાં મારાં માતૃશ્રીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. નાનાં માટાં જે કોઈ હાથમાં આવે એને પકડી ઝુડવામાં આવતાં હતાં. વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય. પોલીસોએ કાળો કેર વર્તાવ્યો હતો. મટવાડ પછી કરાડીમાં પ્રવેશ કર્યો. કરાડીમાંથી ૭૦ જેટલા રાષ્ટ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી. જો કે પછીથી વૃદ્ધોને અને સગીર વયના છોકરાઓને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસોએ અત્યંત જુલમ કર્યો હતો. જે કોઈ મળી જાય એને મારતા. ઘરમાંથી જે કંઈ ગમી જાય તે ઉપાડી જતા. કોણ પુછે? જંગલનો કાયદો હતો. ત્રાસ એટલો અસહ્ય થઈ પડ્યો કે લોકો પોતાનાં ગામ છોડીને, ઘરબાર છોડીને, નાઠા. આસપાસનાં ગામોમાં આશરો લીધો. દાંડી-સામાપુરના લોકોએ દરીયા કીનારે પોતાનાં ખેતર, વાડાઓમાં જઈને આશરો લીધો. કેટલાક હોડીઓ લઈને સામે કાંઠે વાંસી-બોરસીમાં ભાગી ગયા. પોલીસોના ત્રાસથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો. પોલીસ આવવાની જાણ થાય તે માટે સામાપુરમાં ચોરમલા પર ઝંડો ફરકાવવામાં આવતો. જેથી લોકો સલામત જગ્યાએ ભાગી જાય. મટવાડ-કરાડી ગામનાં લોકોએ આટ-ઓંજલ કે સામે કાંઠે આવેલાં ગાયકવાડી ગામ તવડી, દેલવાડા, ભીનાર વગેરેમાં આશરો લીધો હતો. બોદાલી-મછાડનાં લોકોએ પણ ગાયકવાડી ગામોમાં આશરો લીધો હતો.
કાંઠાવીભાગના આ રાષ્ટ્રવાદીઓને તવડીમાં ડાહ્યાભાઈ છીબાભાઈ, હીરાભાઈ ગોવિંદ, નારણભાઈ મોરાર, દેવાભાઈ હાંસજી, છીમાભાઈ રામા અને ડાહ્યાભાઈ કાનજીને ત્યાં આશરો મળ્યો હતો. દેલવાડા ગામમાં દયાળભાઈ હીરા, જગુભાઈ સુખા, જસમત જોગી, હરીભાઈ ડાહ્યા, ડાહ્યાભાઈ બુધીયા, છીમાભાઈ દાજી તથા જેરામભાઈ ગાંડાભાઈને ત્યાં આશરો મળ્યો હતો. કાદીપોરમાં કુંવરજી ગોપાળ, રવજી હીરા અને ભાણાભાઈ કેશવ તથા ધામણ ગામે ગોરધનભાઈ ભક્ત, માધવ માસ્તર, અને ધીરજ ગોરધનને ત્યાં, પેરામાં ખુશાલભાઈ માધવને ત્યાં, નાગધરામાં દયાનંદ સુખાભાઈને ત્યાં, અષ્ટગામ ભુલાફળીયામાં દયાળભાઈ(સુખાભાઈ) નારણને ત્યાં આશરો મળ્યો હતો. સાગરા, ભીનાર, નીમળાઈ, કરાંખટ વગેરે ગામોએ પણ આશરો આપ્યો હતો. આ રીતે આશરો આપવા પાછળ એમનો એક જ હેતુ હતો, સ્વરાજની જ્યોતને જ્વલંત રાખવી, એવું કામ કરનારાઓને ટેકો આપવો. એમ કરીને તેઓ પોતાની રાષ્ટ્રભક્તી પ્રગટ કરતા હતા.
પોલીસોએ પોતાની સલામતી અને સુરક્ષા માટે બલુચી દળ ગોઠવી દીધું હતું. આ બલુચી પોલીસોએ કાળો કેર વર્તાવ્યો. લોકોના ઘરમાં ઘુસી જઈને જે કંઈ મળ્યું તે લુંટી ગયા. મટવાડ વીદ્યાર્થી મંડળના પુસ્તકાલયમાંથી પુસ્તકો, કબાટ, ખુરશી, ટેબલ વગેરે બાળી મુક્યું હતું.
જે રાષ્ટ્રવાદીઓ પકડાયા નહોતા તેમનાં માબાપને કે ભાઈબહેનોને હેરાનપરેશાન કરવામાં આવતાં હતાં. કરાડીમાં જેકભાઈ ન પકડાતાં એમના પીતાને પકડી ગયા હતા. મટવાડમાં પી.સી. (પરભુભાઈ છીબા) ન પકડાતાં એમના મામાને પકડી ગયા હતા. કરાડીમાં જેરામભાઈ રવજી ન પકડાતાં એમના સાળા નારણભાઈ ભાણાને પકડવામાં આવેલા. બોદાલીમાં પરસોતભાઈ હીરાભાઈ ન પકડાતાં એમના સાળાઓ-પરભુભાઈ અને કેશવભાઈ જેરામને જેલભેગા કરવામાં આવેલા. જે લોકો આશરો આપતા એમની ધરપકડ થતી. કાયદાકાનુન જેવું કંઈ હતું જ નહિ. જંગલરાજ. પોલીસો કહે-કરે તે કાયદો. લોકોને ત્રાસ આપવો, હેરાનપરેશાન કરવાં તે એમનો ધર્મ. નીતીનીયમો એમણે ગજવામાં ઘાલ્યા.
કરાડી-મટવાડના ત્રણ ભાઈઓ ઈસ્ટ આફ્રીકાની સફરે જઈ રહ્યા હતા. ત્યારે એમને મુંબઈ બંદરે પકડી પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. પુરાવા સીવાય ગીરફ્તાર કરી જેલભેગા કરી દીધા હતા. આમાં કરાડીના નાનાભાઈ મકનભાઈ, તથા મટવાડના મંગાભાઈ સુખાભાઈ અને રામજીભાઈ સુખાભાઈ મુખ્ય હતા. સરકારની આવી મેલી રમતને કારણે આ ભાઈઓનો આફ્રીકાનો કાયમી હક ઝુંટવાઈ ગયો હતો.
સામાપોરના કેટલાંક કુટુંબો માછલાં વેચી પોતાનું ગુજરાન ચલાવતાં. માછલાં વેચવા માટે બહેનોને મટવાડની પોલીસ ચોકી પાસેથી જ પસાર થવું પડતું. ત્યારે પોલીસો બહેનો પાસેથી પરાણે માછલાં લઈ લેતા. મટવાડના પરસોતમભાઈ હીરાભાઈ જેલમાંથી છુટીને આવ્યા ત્યારે તેમણે માછલાં વેચનારી બહેનો પ્રત્યે સહાનુભુતી બતાવી, સાથે આવવાની હીંમત બતાવી, ત્યારે પોલીસોએ તેમને તમાચો મારી તેમની ટોપી ઉડાડી હાંસી કરેલી. પરસોતમભાઈએ પોલીસના ઉપરી અધીકારીને રૂબરૂ મળીને નામ-નંબર સાથે સુરતના ડી.એસ.પી.ને અરજી કરેલી. એટલે ડી.એસ.પી.એ એ પોલીસને બરતરફ કર્યો હતો. ફરીથી કોઈ આવું કરશે નહીં તેની ખાતરી આપી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામની લડત દરમીયાન કાંઠાની પ્રજા પર જેવો જુલમ ગુજારવામાં આવ્યો હતો તેવો જ જુલમ બંગાળ, બીહાર અને ઓરીસ્સામાં પણ ગુજારવામાં આવ્યો હતો. તેમની ઘરવખરી લુંટી લીધી હતી. અનાજ અને ખોરાકની વસ્તુઓ લુંટી લીધી હતી. પરીણામે ત્યાં ભુખમરો સર્જાયો હતો. ૩૫ લાખ લોકો ભુખમરામાં ભરખાઈ ગયાં હતાં. બ્રીટીશ સામ્રાજ્યની સરકારે માનવતાનું દેવાળું કાઢ્યું હતું.
નાગરીકોના અવાજને કોઈ સ્થાન ન હતું. પોલીસોના વર્તન સામે પ્રજા લાચાર હતી. પોલીસો બેફામ બનતા જતા હતા. પોલીસ જેમને ગીરફ્તાર કરતી તેમને નવસારી જેલમાં રાખવામાં આવતા. ૧૫-૨૦ દીવસ પછી સુરત જેલમાં ખસેડવામાં આવતા. ત્યાંથી નડીયાદ સબ જેલમાં લઈ જવામાં આવતા.
જે રાષ્ટ્રવાદીઓ નાસતા ફરતા હતા તેઓ કરાડી કે દેલવાડાની સીમમાં રહેતા હતા. તેમને ગીરફ્તાર કરવા માટે પોલીસો ઘણી વાર ગાયકવાડી પોલીસોનો પણ સહારો લેતા હતા. પરસોત્તમભાઈ હીરાની ગીરફતારી એમના સાસરે બોદાલીથી કરવામાં આવી હતી. પોલીસના પંજામાં ન સપડાવા માટે તેમણે માળ પરથી કુદકો માર્યો હતો. પણ ઈજા થવાને કારણે પકડાઈ ગયા હતા. એ જ સમયે મગન ટારઝનને પણ પકડી લીધો હતો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s