ઉષાબહેન

૪. ૧૯૪૨ની ક્રાંતીમાં કાંઠા વીભાગનું યોગદાન

કોઈ પણ પ્રજા માટે સ્વરાજ્ય આવશ્યક અને અનીવાર્ય છે. દુનીયામાં કોઈ પણ પ્રજાની સહનશક્તીને એક હદ હોય છે. એક મર્યાદા હોય છે. દમનનીતી જ્યારે એ મર્યાદા ઓળંગી જાય છે ત્યારે પ્રજા બળવો કરે છે. વીફરે છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે દેશમાં અગાઉ આંદોલનો થયાં જ હતાં. મહાસભાના રાષ્ટ્રવાદીઓના મનમાં અંગ્રેજ સરકારની દમનનીતી સામે, કૂટનીતી સામે રોષ ભભુકતો જ હતો. ‘હીંદ છોડો’ના લલકારે બ્રીટીશ સામ્રાજ્યનાં ગાત્રો ઢીલાં કરી નાખ્યાં હતાં. પ્રજાનો ઠસ્સો અને જુસ્સો અદ્ભુત હતો. આપણા પ્રદેશમાં, ખાસ કરીને આપણા કાંઠાવીભાગમાં એનો પ્રતીઘોષ એવો પડ્યો કે આઝાદીની લડતની હવામાં નવો પ્રાણ ફુંકાયો. નવચેતનાનો સંચાર થયો. વળી જ્યારથી ગાંધીજીએ દાંડીમાં નમક સત્યાગ્રહનો યજ્ઞ માંડ્યો ત્યારથી તો આ વીભાગની પ્રજામાં ગજબની જાગૃતી આવી. મેઘાણીભાઈએ ગાયું છે ને-
તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી,
મુડદાં મસાણોથી જાગતાં, એવી શબ્દમાં શી સુધા ભરી.

સ્વતંત્રતાનું નામ પડતાં મસાણનાં મુડદાં પણ જાગી જાય, બેઠાં થઈ જાય, એવી તાકાત, એવો જાદુ, એ શબ્દોમાં છે. ગાંધીના આગમનથી, ગાંધીવાણીથી એવો ઉત્સાહ પ્રગટ્યો હતો.
હીંદની મહાસભાએ ૧૯૪૨ના ઑગષ્ટની ૮મી તારીખે એક ખાસ સભા મુંબઈમાં ગોવાલીયા ટેન્ક મેદાન ખાતે બોલાવી હતી. આ સભાનું પ્રમુખસ્થાન મહાત્મા ગાંધીને આપવામાં આવ્યું હતું.
૮મી ઑગષ્ટનો એ દીવસ હીન્દુસ્તાનના આઝાદીના ઈતીહાસમાં ચીરસ્મરણીય રહેશે. તે દીવસે હીન્દુસ્તાનની ધરતીના અણુએ અણુમાં કોઈ અલૌકીક શક્તીનો સંચાર થઈ રહ્યો હતો. તે દિવસે સભાના અધ્યક્ષ તરીકે બીરાજેલા મહાત્મા ગાંધીના મુખેથી આ શબ્દો બોલાયા હતા ઃ “QUIT INDIA!” “ભારત છોડો!” અને સદીઓથી ગુ્લામીની જંજીરોમાં જકડાયેલી હીન્દુસ્તાનની રાંક પ્રજામાં વીદ્યુત ચમકાર થયો. ગોવાલીયા ટેંકના મેદાનમાં હાજર રહેલ માનવમેદનીના હૃદયમાં રાષ્ટ્રાભીમાનની ભાવનાનો પ્રતીઘોષ થયો. આ ઠરાવના અમલની સંપુર્ણ જવાબદારી ગાંધીજીને સોંપવામાં આવી હતી. ગાંધીજીએ પોતાના પ્રવચનમાં હીંદની પ્રજાને હાકલ કરી ઃ “Do or die.” “કરેંગે યા મરેંગે.” આ પાર કે પેલે પાર. તે માટે જે કરવું ઘટે તે કરવું. પણ કોઈની મીલકતને કે જીવનને હાની ન પહોંચાડવી, હીંસા ન કરવી.
‘ક્વીટ ઈન્ડીયા’ના ઠરાવ પછી સરકારે પણ બધી તૈયારી કરી લીધી. હીંદી મહાસભા અને કોંગ્રેસ કારોબારીના તમામ સભ્યોને રાતોરાત જેલભેગા કરી દીધા. જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહીયા, અચ્યુત પટવર્ધન અને અરુણા અસફઅલી જેવા સમાજવાદી આગેવાનો ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ત્યાંથી તેઓ દોરવણી આપતા હતા. પણ કોંગ્રેસના પ્રથમ હરોળના બધા આગેવાનો જેલમાં હતા. સરકાર એવું માનતી હતી કે આવી રીતે છાપો મારીને એણે આંદોલનની હવા કાઢી નાખી છે. પણ એ એનો ભ્રમ હતો.
ગાંધીજી હરીજનબંધુ ચલાવતા હતા. ગાંધીજીની ધરપકડ પછી કીશોરલાલભાઈ એ ચલાવતા હતા. તેમાં તેમણે લોકોને માર્ગદર્શન આપતાં લખ્યુંઃ
“આ ‘હીન્દ છોડો’ની લડાઈમાં વાહનવ્યવહાર ખોરવી નાખવાની છૂટ છે, પણ એથી કોઈની જાનહાની થવી ન જોઈએ. હડતાલ એ સારામાં સારો ઉપાય છે. પણ એમાં સફળતા ન મળે તો તાર-ટેલીફોનનાં દોરડાં કાપવાં, વીજળીના થાંભલા ઉખેડી નાખવા, રેલ્વેના પાટા ઉખેડી નાખવા એ બધું થઈ શકે. પણ એ બધું કોઈની જાનહાની ન થાય એ રીતે થઈ શકે….”
બસ, લોકોને ગાઈડલાઈન મળી ગઈ. સૌએ પોતપોતાની રીતે એનું અર્થઘટન કર્યું.
આઝાદીની આ જ્યોતને જલતી રાખવા માટે મુંબઈમાં વીઠ્ઠલભાઈ પટેલ રોડ પર રૂપીયા દોઢ લાખના ખર્ચે એક અદ્યતન “આઝાદ હીન્દ રેડિયો સ્ટેશન” સ્થાપવામાં આવ્યું હતું. આ રેડીયો સ્ટેશન પરથી હીન્દુસ્તાનનાં ૨૫ જેટલાં મોટાં શહેરોમાં પ્રસારણ થતું હતું. હીન્દના સ્વરાજ્યના સંદર્ભમાં શું શું બની રહ્યું છે તે સમાચારો આ રેડીયો મથકેથી પ્રસારીત થતા હતા. તેનું સંચાલન એક બહેન કરતાં હતાં-ઉષાબહેન મહેતા. તેઓ એમ.એ. થયેલાં હતાં. રાષ્ટ્રીય રંગે રંગાયેલાં હતાં. તેમના બે ભાઈઓ પણ આ લડતમાં જોડાયેલા હતા. મોટાભાઈ ચંદ્રકાંતભાઈ તો કૉલેજમાં પ્રોફેસર હતા. બીજા ભાઈ મૅડીકલમાં અભ્યાસ કરતા હતા. પીતા રીટાયર્ડ જજ હતા. આ ત્રણે સંતાનો લડતમાં જોડાય તો એમનું પેન્શન બંધ થાય. એટલે પીતાનો સખત વીરોધ હતો. છતાં આ ત્રણે ભાઈબહેનોએ પીતાની ઈચ્છા વીરુદ્ધ લડતમાં ઝંપલાવ્યું હતું.
પોલીસોએ આ રેડીયો સ્ટેશનને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કર્યાં. એને પકડી પાડનારને મોટું ઈનામ આપવાની જાહેરાત કરી. પણ તેમાં સફળતા ન મળી.
અંતે એક દીવસ રેડીયો યંત્ર તૈયાર કરનાર ભાઈ પકડાયો. તેણે ઈનામની લાલચ હોય કે પોલીસનો ત્રાસ હોય, પણ દગો દીધો. પોલીસને રેડીયોમથક પર લઈ ગયો, ને ઉષાબેન તથા બીજાઓને પકડાવી દીધા.
ઉષાબેન અને એની જોડે પકડાયેલાઓને પોલીસથાણે લઈ ગયા. ત્યાં ખૂબ ત્રાસ આપ્યો. મારી મારીને અધમૂઆ કરી નાખ્યા. દીવસો સુધી આ રંજાડ ચાલ્યા કરી. તેને લીધે ઉષાબેન જીવ્યાં ત્યાં સુધી કશો અનાજનો ખોરાક લઈ શકતાં નહીં. આમ છતાં એ લોકોએ પોલીસને કશી માહીતી આપી નહીં. સરકારે એમની ઉપર રાજદ્રોહ અને સરકારને ઉથલાવી નાખવાનું કાવતરું કરવાનો ગુનો દાખલ કર્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા રેડીયોમથક તૈયાર કરનારે સરકારી સાક્ષી તરીકે બધી વીગતો આપી દીધી. ઉષાબેને પોતાનો બચાવ ન કર્યો. ન્યાયાધીશે ચુકાદો આપતાં ઉષાબેનની હીંમતનાં વખાણ કર્યાં અને ચાર વર્ષની સજા ફટકારી.
‘હીન્દ છોડો’ની લડત કેવી હતી તેનો ખ્યાલ નીચેની વીગતો પરથી આવશે ઃ
લડત દરમીયાન પોલીસે ૬૦૧ જગ્યાએ ગોળીબાર કર્યા. તેમાં ૧,૯૦૧ માણસો મૃત્યુ પામ્યા અને ૩,૦૬૪ ગંભીર રીતે ઘવાયા. લોકોએ પોલીસ ચોકીઓ અને સરકારી કચેરીઓ પર હુમલા કર્યા તેમાં ૧,૦૩૧ લોકો મર્યા અને ૨,૯૩૪ ઘવાયા. ૧,૩૬૮ જણે રાજીનામા આપ્યાં. ૨૦૮ પોલીસ ચોકી પર હુમલા થયા. ૭૪૯ સરકારી કચેરીઓ કબજે કરી. ૬૬૪ બોમ્બ વીસ્ફોટ થયા. ૧,૩૬૯ બોમ્બ ફાટે તે પહેલાં જ પોલીસોએ કબજે કર્યા. સરકારે ૯૦ લાખ રૂપીયાનો દંડ વસુલ કર્યો. ૯૧,૮૩૬ સત્યાગ્રહીઓ પકડ્યા. ૨,૫૬૨ને ચાબુકના ફટકાની સજા કરવામાં આવી. ૩૩૨ રેલ્વે સ્ટેશનોનો નાશ કર્યો. પાટા ઉખેડવાના ૪૧૧ બનાવો બન્યા. ૬૬ ગંભીર અકસ્માતો થયા. ૯૪૫ ટપાલકચેરીઓનો નાશ કર્યો. ટેલિફોનનાં દોરડાં કાપવાના ૧૨,૨૮૬ બનાવો બન્યા. ૬૮ જગ્યાએ લશ્કરે ગોળીબાર કર્યા, જેને કારણે ૨૩૮ સત્યાગ્રહીઓ મૃત્યુ પામ્યા.
હિન્દ છોડોની લડાઈ લોકોએ આપમેળે ચલાવી હતી. ૧૯૪૭ની ૧૫મી ઑગષ્ટે એનો અંત આવ્યો. (‘હીન્દ છોડો લડત’માંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s