મીઠાનો ચમત્કાર

મીઠાંનો ચમત્કાર

મીઠાના સત્યાગ્રહની સાથે જોડાયેલા બે પ્રસંગો અહીં ખાસ નોંધવા જેવા છે. જેમાં આપણું રાષ્ટ્રીય ચારીત્ર્ય અને આપણું પ્રજાકીય ખમીર કેવું હતું તે વ્યક્ત થાય છે.
ધરાસણામાં અંબાલાલ શુક્લ નામના એક સત્યાગ્રહી હતા. એમની ઉપર ૮-૧૦ પોલીસો તૂટી પડ્યા. ગીધડાંની જેમ પીંખાટી નાખ્યા. છાતી પર મુક્કા માર્યા. ગળે નહોર ભરાવ્યા. એમનાં ગુહ્યાંગ દબાવ્યાં. છેવટે કાંટાની વાડ પર ફેંકી દીધા. સ્વયં સેવકો એમને ઈસ્પીતાલ લઈ ગયા. દોઢ કલાકે ભાન આવ્યું. ત્યારે એમણે પૂછ્યું:
“હું સરકારી ઈસ્પીતાલમાં તો નથી ને? ”
“ના.” સ્વયંસેવકોએ કહ્યું.
“તો ઠીક, મારી પાસે હજી મીઠું છે.”
એમ કહીને એમણે મુઠ્ઠી ખોલી મીઠું બતાવ્યું.
આ સત્યાગ્રહથી વીરોધીઓનાં કઠણ હૃદય પણ પીગળી ગયાં હતાં.

આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુના માટે સજા કરનાર મેજીસ્ટ્રેટે પુછ્યું : “તમારે તમારા બચાવમાં કંઈ કહેવું છે?” ત્યારે મેઘાણીએ એક ગીત ગાવાની રજા માગી. રજા મળતાં એમણે પોતાના બુલંદ કંઠે એક ગીત ગાયું:

“નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.”
ગીત સાંભળતાં મેજીસ્ટ્રેટની આંખમાં આંસુ આવી ગયાં. એ એટલા હલી ઉઠ્યા કે ચુકાદો આપતાં એમણે કહ્યું : “હવે મારે બે કામ કરવાનાં છે. પહેલું તો તમે કરેલા ગુના માટે તમને બે વર્ષની કેદની સજા કરવામાં આવે છે. બીજું, જે દેશની સરકારમાં દેશપ્રેમને ગુનો ગણવામાં આવે અને એને સજા કરવી પડે, તે સરકારમાંથી હું રાજીનામું આપું છું. આખરે મને પણ મારા દેશ માટે પ્રેમ છે.”

હૃદયપલટાનો આવો જ એક પ્રસંગ મહાવીર ત્યાગીએ પણ નોંધ્યો છે :
નમક સત્યાગ્રહના એ દીવસો હતા. ગાંધીનો બોલ પડતાં આખા દેશમાં લોકો મીઠું પકવીને વેચવા લાગ્યા. ત્યાગીજીએ પણ એ કામ શરુ કર્યું. ત્યાં પોલીસે એમની ધરપકડ કરી. મેજીસ્ટ્રેટ પં. બેનીપ્રસાદ સમક્ષ કેસ ચાલ્યો. પોલીસ પાસે સાક્ષીઓની યાદી તો તૈયાર જ હતી. તેઓ ખુદાને હાજર રાખી ‘સાચું’ બોલી ગયા. પછી મેજીસ્ટ્રેટે ત્યાગીજીને પુછ્યું: “તમારે કંઈ કહેવું છે?” ત્યાગીજી ઉભા થયા, કહ્યું: “આમ તો સાક્ષીઓએ ખુદાને માથે રાખીને જુબાની આપી છે. પરંતુ એનાથી એ સાબીત નથી થતું કે અમે કરેલ લીલામનાં પડીકામાં મીઠું હતું કે ફટાકડા? ચાક કે ચૂનો?”
“વાત તો સાચી છે. એ સાબીતીની ખામી છે.” મેજીસ્ટ્રેટે સ્વીકાર્યું.
એટલે ત્યાગીજીએ કહ્યું : “આપને વાંધો ન હોય તો ચાખી જુઓ.”
સાહેબે મીઠું ચાખ્યું. “છે તો મીઠું જ.”
ત્યાગીજી બૂમ પાડી ઉઠ્યા : “વર્ષોથી આપ અંગ્રેજોનું નમક ખાતા આવ્યા છો, હવે મને નીરાંત થઈ. આજે આપે ગાંધીનું નમક(લુણ) ખાધું છે તે યાદ રાખજો.”
મેજીસ્ટ્રેટ સાહેબનો ચહેરો ઝાંખો પડી ગયો.
ત્યાગીજીને સજા તો થઈ. પણ સાહેબ રજા પર ઉતરી ગયા. પછી જાણ્યું કે રજા પુરી થાય તે પહેલાં એમણે રાજીનામું આપી દીધું હતું.
આવો પ્રભાવ હતો ગાંધીનો. આવી ભાવના હતી-વીરોધીઓમાં પણ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s