ધરાસણાનો કાળો કેર

ધરાસણાનો કાળો કેર

ગાંધીજીને ખબર હતી. ગમે ત્યારે એમની ધરપકડ થશે જ. એટલે એમણે અગાઉથી લડતનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. તે કાર્યક્રમ પ્રમાણે ગાંધીજીની ધરપકડ થાય તો તે પછી લડતની આગેવાની અબ્બાસ તૈયબજીએ લેવી. અને જો અબ્બાસ તૈયબજીની ધરપકડ કરવામાં આવે તો આગેવાની સરોજીની નાયડુએ લેવી, એવું નક્કી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે ગાંધીજીની ધરપકડ થતાં અબ્બાસ તૈયબજીએ આગેવાની લીધી. અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં આગેવાની સરોજીની નાયડુએ લીધી. તેઓ અલાહાબાદથી સીધાં ધરાસણા આવી પહોંચ્યાં હતાં.
ધરાસણાના અગરોની ફરતે વાડ કરવામાં આવી હતી. લાઠીધારી પોલીસોની ચોકી ગોઠવવામાં આવી હતી. સત્યાગ્રહીઓ નમકના કયદાનો ભંગ કરવા આગળ વધ્યા. એટલે લાઠીધારી પોલીસો એમની ઉપર તુટી પડ્યા. કેટલાક ઘવાયા, કેટલાકનાં ગુહ્યાંગો દબાવ્યાં, કાંટા ભોંક્યા, કેટલાક લોહીલુહાણ થઈ ઢળી પડ્યા. પણ આ તો ગાંધીના સૈનીકો. મારથી ડરી જાય કે ડગી જાય એવા નહોતા! “ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું” મંત્ર હૈયે અને હોઠે હતો.
એક ટુકડીની આગેવાની ગુજરાત વીદ્યાપીઠના મહામાત્ર નરહરીભાઈ પરીખે લીધી હતી. જેવા એ આગળ વધ્યા તેવો લાઠીનો જોરદાર ફટકો એમની ચળકતી ટાલ પર પડ્યો. ફરી આગળ વધ્યા. ફરી જોરદાર ફટકો પડ્યો. મુર્છીત થઈ ઢળી પડ્યા. માથું લોહીથી લાલ લાલ થઈ ગયું. એમનાં પત્ની મણીબેનને કોકે ઉતાવળે અધકચરા સમાચાર આપતાં કહ્યું : “તમને એક માઠા સમાચાર આપવાના છે. ધરાસણામાં ઘાયલ નરહરીભાઈએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.”
મણીબેને ક્ષણમાં સમતુલા જાળવી લીધી અને કહ્યું : “અત્યારે તો હું દારુના પીઠા પર પીકેટીંગ કરું છું. મારાથી અહીંથી ખસાઈ નહિ.”
પછીથી પોતાની દીકરી વનમાળાને તપાસ કરવા મોકલી, ત્યારે ખબર પડી કે એ સમાચાર ખોટા હતા.
ઘાયલ થયેલા સત્યાગ્રહીઓને પોલીસો ખારા પાણીમાં ઝબોળતા હતા, કાંટા ભોકતા હતા, ગુહ્યાંગ દબાવતા હતા. એમના વસ્ત્રો પરથી લોહીના રેલા વહેતા. છતાં એમનો જુસ્સો એવો ને એવો હતો.
કોથમડીના ફકીરભાઈ પરાગભાઈને પણ સખત માર પડ્યો હતો. તેમને બે માસ સુધી મુંબઈની હોસ્પીટલમાં ખસેડવા પડ્યા હતા.
ધરાસણાના આ સત્યાગ્રહનું નીરીક્ષણ કરવા વેબ મીલર નામનો એક અમેરીકન પત્રકાર આવેલો. એણે ‘ન્યુફ્રીમેન’માં પોતાનો આંખે દેખ્યો હેવાલ આ પ્રમાણે આપ્યો છે :
“સંપુર્ણ મૌન સાથે કુચ કરતા ગાંધીના આ સૈનીકોને મીઠાના ઢગલાથી સોએક વાર છેટે અટકાવ્યા. ગોરા અમલદારનો આદેશ થતાં પોલીસો ધસ્યા અને લોખંડની કડીથી સજ્જ એવી લાઠીવર્ષાને રોકવા કોઈએ પ્રયત્ન પણ ન કર્યો. આડો હાથ પણ નહોતા ધરતા.” પછી એણે લખ્યું છે : “ખબરપત્રી તરીકેનાં જીંદગીનાં ૨૨ વરસમાં મેં આવાં રમખાણો તો ઘણાં જોયાં છે. પણ ધરાસણા જેવાં કમકમાટી ઉપજાવે તેવાં દૃશ્યો મેં ક્યાંય જોયાં નથી. કેટલીક વખત તો દૃશ્યો એવાં ત્રાસજનક હતાં કે અમારે આડું જોઈ જવું પડતું.”
સ્વયંસેવકોની શીસ્ત આશ્ચર્યજનક હતી. ગાંધીજીની અહીંસાનો ઉપદેશ એમણે બરાબર પચાવ્યો હોય તેવું લાગતું હતું.
પોતાના સાથીદારો પર ભયંકર માર પડતો નજરોનજર જોવા છતાં હીંમતથી તેઓ આગળ વધતા હતા. આપણા કાંઠાવીભાગમાંથી ૩૦૦ જેટલાં ભાઈબહેનોએ ધરાસણાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
પછી તો લોકોએ જાતેજ લડત ઉપાડી લીધી. ઠેર ઠેર મીઠાના અગરો પર હુમલા થયા. વીદેશી કાપડની હોળી થઈ. દારુની દુકાનો પર બહેનોએ પીકેટીંગ કર્યું. તેના પર બહેનો ચોકી કરવા લાગી. આ લડાઈમાં ગરીબ અને તવંગર, ભણેલી અને અભણ, તમામ બહેનોએ આગળ પડતો ભાગ લીધો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s