નાના સીતા

નાના સીતા

(નાના સીતા તા. ૨૩૧૨૬૯ના રોજ અવસાન પામ્યા હતા. તેમને વીષે શ્રી દીલખુશભાઈ દીવાનજીએ તા. ૧૧૭૦ના ભુમીપુત્રમાં શ્રદ્ધાંજલી લેખ લખ્યો હતો, તે અહીં પ્રસ્તુત છે.)

નાના સીતા નવસારી જીલ્લાના મટવાડ ગામના રહીશ. શ્રી લલ્લુ્ભાઈ મકનજીના પીતરાઈ ભાઈ. (લલ્લુભાઈ વીષે પાછળથી આવશે. તેઓ પણ ગુજરાતીના સન્માન્ય સાહીત્યકાર હતા.) એમના વડીલો દક્ષીણ આફ્રીકામાં વ્યાપારધંધા અર્થે વર્ષો પહેલાં ગયેલા. ૧૯૨૧માં હીંદ આવેલા ત્યારે ગાંધીજીની અસહકારની લડતમાં નાના સીતાએ ભાગ લીધો હતો. સત્ય, અહીંસા અને પ્રેમ વીષેના બાપુના આગ્રહો યુવાનના અંતરને સ્પર્શી ગયા. બાપુના ભક્ત અને અનુયાયી થતા ગયા અને છેવટ સુધી રહ્યા.

દક્ષીણ આફ્રીકાની જુલમી થતી જતી રંગભેદની નીતી સામે સતત સત્યાગ્રહની લડત આપનાર નાના સીતાનું ૨૩૧૨૬૯ ના રોજ ૭૫ વર્ષની ઉંમરે અવસાન થયું. નાના સીતા અણનમ સત્યાગ્રહી હતા. ગ્રુપ એરીયાના કાળા કાયદા સામે એમણે સતત સત્યાગ્રહો કર્યા હતા. કાયદાના પરીણામે હજારો હીન્દીઓને એમનાં વર્ષો જુનાં રહેઠાણોમાંથી દુર કરવામાં આવ્યા. એમની દુકાનોમાંથી પણ એમને ખસેડી હીન્દીઓ માટેની અલગ વસાહતોમાં તેમને મોકલી દીધા.

૧૯૬૫નું વર્ષ હતું. કાયદાની સામે થવા નાના સીતાએ ફરી સત્યાગ્રહ કર્યો. એમનું જુનું રહેઠાણ હરક્યુલસ છોડી દેવાના સરકારી હુકમનો એમણે ઈન્કાર કરી, ગોઝારા કાયદાનો સવીનય ભંગ કર્યો. ૨૮મી ઑગષ્ટે કોર્ટમાં એમને ખડા કરવામાં આવ્યા. એમનાં પત્ની પ્રેમીબેન પતીના સત્યાગ્રહમાં એમની પડખે રહ્યાં. ગોરી સરકાર વધુ અકળાઈ અને મુંઝાઈ.

તે દિવસે મેજીસ્ટ્રેટ સમક્ષ કરેલા પોતાના નીવેદનમાં નાના સીતાએ જે બુલંદ અવાજ ઉઠાવ્યો તે ૧૯૨૨માં બાપુએ અમદાવાદની કોર્ટમાં કરેલા ભવ્ય નીવેદનનું સ્મરણ તાજું કરાવે છે:

ઘાતકી કાયદાને કારણે જે અમાનુષી વર્તાવ હીન્દીઓ પ્રતી કરવામાં આવે છે તે માનવ જાતી સામેનો ગુનો છે. પરમેશ્વર સામેનું પાપ છે. એક દીવસ એવો આવશે જ્યારે કાયદા ઘડનારાઓએ પાર્લામેન્ટથી પર એવી જે પરમ શક્તી છે તેની સમક્ષ ખડા થવું પડશે. કાયદાને પરીણામે જે યાતનાઓ હીન્દીઓને ભોગવવી પડી છે તે માટે પરમ શક્તીને કાયદા ઘડનારાઓએ જવાબ આપવો પડશે. પરંતુ મારી પ્રાર્થના છે કે ભગવાન લોકોને ક્ષમા કરે.

કાયદાનો ભંગ કરી તેનો વીરોધ કરવા હું તમારી સામે ખડો થયો છું. મારો અંતરાત્મા ગોઝારા કાયદાને કબુલ કરવા ના પાડે છે. અંતરાત્માના પરમ આદેશને હું માથે ચડાવું છું. આથી કાયદા આગળ હું હરગીઝ નમતું આપવા માગતો નથી. હું તો મહાત્મા ગાંધીનો નમ્ર અનુયાયી છું. ગાંધીજીએ આચરી બતાવેલા સત્ય, પ્રેમ અને અહીંસાના વીચારોમાં મારી શ્રદ્ધા અટલ છે. આથી હું મારો પરમ ધર્મ સમજું છું કે મારે અન્યાય અને જુલમનો સામનો કરવો. આમ કરતાં કાયદાના ભંગને કારણે મારે જે શીક્ષા ભોગવવી પડે તે માટે હું તૈયાર છું.

તમે મને જો ગુનેગાર ગણશો તો જે શીક્ષા તમે કરશો તે માટે હું તૈયાર છું. સહન કરીશ. આમ કરતાં મને જે દુ:ખો ભોગવવાં પડશે તે મારા દેશબાંધવો રોજેરોજ કાયદાને પરીણામે જે દુ:ખો ભોગવી રહ્યા છે તેની આગળ નજીવાં છે.

હું તો જે યાતનાઓ ભોગવીશ તે તો સત્ય, ન્યાય, પ્રેમને માટેની યાતનાઓ હશે. જો દક્ષીણ આફ્રીકાની ગોરી પ્રજાના અંતરને મારી યાતનાઓથી સ્પર્શ કરી શકાશે તો મારો સત્યાગ્રહ સાર્થક ગણીશ. મારી ઉંમર ૬૯ વર્ષની છે. હું વાના રોગથી હેરાન થતો રહ્યો છું. પરંતુ તે કારણ માટે હું કંઈ તમારી પાસે દયાની યાચના કરવા નથી માગતો, તમે મને જે શીક્ષા કરશો તે માટે હું તો તૈયાર છું.”

નાના સીતાનું નીવેદન સાંભળી કોર્ટમાં હાજર રહેલાની આંખો ભીની થઈ. પરંતુ મેજીસ્ટ્રેટે તો નાના સીતાને ગુનેગાર ઠરાવી શીક્ષા કરી .

નાના સીતા એકલા હતા તો યે ત્યાંની ગોરી સરકાર એમનાથી ગભરાતી. પોતાના વતનમાં જવા માટે એમણે અવારનવાર પાસપોર્ટ માગ્યો. ગોરી સરકારે એમને સ્વદેશ જવા દીધા. એમને ચીંતા થતી કે ત્યાં જઈ ગોરી સરકારના જુલમ સત્યાગ્રહી વીર બહાર પાડશે. જીવનભર તેઓ બાપુના સત્ય અને અહીંસાના માર્ગે અનન્ય શ્રદ્ધાથી રંગભેદની જુલમી નીતી સામે લડતા રહ્યા.

એકલા હતા, છતાં અણનમ રહ્યા. જ્યારે એમને પ્રશ્ન કરવામાં આવતો કે તમે એકલા સત્યાગ્રહ કરશો તેથી કંઈ ગોરી સરકાર રંગભેદની નીતી હળવી નહીં કરે. ત્યારે સત્યાગ્રહમાં અનન્ય શ્રદ્ધા રાખનારા નાના સીતા જવાબ આપતા:

ભલે બીજા મને સાથ આપે, તેથી કંઈ જેને હું અન્યાય અને જુલમ ગણું છું તેને મારો અંતરાત્મા કેમ સાંખી લે? ભલે હું તદ્દન એકલો હોઉં, છતાં હું આવા જુલમી કાયદાને કદી પણ સહકાર નહીં આપું.

નાના સીતાનો સત્યાગ્રહ જીવનપર્યંત ચાલુ રહેલો. એમનો ભવ્ય સત્યાગ્રહ તો બાપુને આપેલી એમની સર્વોત્તમ શ્રદ્ધાંજલી હતી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s